વલસાડ જીલ્લાની કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૭૭.૫૦ ટકાનું જંગી મતદાન નોંધાયા બાદ ૧૦ નવેમ્બરે મત ગણતરી માટે તંત્રએ તખતો તૈયાર કરી દીધો છે. કપરાડાની સરકારી કોલેજના મતગણતરી કેન્દ્ર ખાતે ચૂસ્ત પોલિસ બંદોબસ્ત અને કોવિડ-૧૯ની ગાઇડલાઇન વચ્ચે હાથ ધરાનાર મતગણના પ્રક્રિયા માટે માઇક્રો ઓબ્ઝર્વર સહિત ૬૪ જેટલા કર્મચારીઓ કાઉન્ટિંગની કામગીરીમાં જોડાશે. કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઇ વરઠા વચ્ચે હતી. મતગણતરી ૧૦ નવેમ્બરે કપરાડા સરકારી વિનયન કોલેજમાં હાથ ધરાશે. ચૂંટણી અધિકારી અને કલેકટર R.R રાવલે તખતો ગોઠવી દીધો છે.

      વલસાડ કલેકટર સાથે ચૂંટણી તંત્રના અધિકારીઓ ડેપ્યુટી જિ. ચૂંટણી અધિકારી, DYSP, નોડલ અધિકારી, EVM વીવીપેટ અને પ્રાયોજના અધિકારી સાથે પરામર્શ કરાયું છે. આ મતગણતરી કેન્દ્રમાં બે હોલ નક્કી કરાયા છે. જેમાં કુલ ૧૪ ટેબલ પર ગણતરી હાથ ધરાશે. કાઉન્ટિંગ સ્ટાફમાં ૧૬ માઇક્રો ઓબ્ઝર્વર, ૧૬ ઓબ્ઝર્વર, ૧૬ સુપરવાઇઝર અને ૧૬ આસિસ્ટન્ટ સુપરવાઇઝર કામે લાગશે. કુલ ૨૭ રાઉન્ડમાં કાઉન્ટિંગમાં અંતિમ ઓપ આપવામાં આવશે.

    કોવિડ-૧૯ને ધ્યાને રાખી ભારતીય ચૂંટણી પંચના આદેશ હેઠળ કપરાડાની સરકારી વિનયન કોલેજના મતગણતરી કેન્દ્ર ઉપર હોલને સેનેટારાઇઝ કરવા, ચૂંટણી સ્ટાફનું થર્મલ સ્ક્રીનિંગ કરવા, ફરજિયાત માસ્ક પહેરવા, હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા અને ફેસ શિલ્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના મતગણતરી સાથે જોડાયેલા તમામ હોદ્દેદારોને તાકીદ કરી દેવામાં આવી છે. હવે મંગળવારે લોકોના નિર્ણય શું છે ? અને કયા ઉમેદવારોનું ભવિષ્ય શું હશે એ ખબર પડી જશે.