ગઈકાલે દિલ્હી કેપિટલ્સએ શાનદાર પ્રદર્શન કરી ક્વોલિફાયર-૨ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૧૭ રને પરાજય આપીને આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે. દિલ્હીની ટીમ અત્યાર સુધી એકમાત્ર એવી ટીમ હતી જે આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. હવે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ૧૦ નવેમ્બરે આઈપીએલ ફાઇનલ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૮૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૨ રન બનાવવામાં સફળ રહી હતી.
દિલ્હી કેપિટલ્સે આપેલા ૧૯૦ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ઈનિંગની બીજી ઓવરમાં રબાડાએ મોટો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર માત્ર બે રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો હતો. આમ ટીમને માત્ર ૧૨ રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં ફેંકવા આવેલા માર્કસ સ્ટોયનિસે પ્રિયમ ગર્ગ ૧૭ અને મનીષ પાંડે ૨૧ને બે બોલમાં આઉટ કરીને હૈદરાબાદને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
દિલ્હી કેપિટલ્સની ટીમે ઈતિહાસ રચી દીધો છે. તે પ્રથમ વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ૧૨ વર્ષના ઈતિહાસમાં પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ અને પછી દિલ્હી કેપિટલ્સની ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમે આ સફળતા મેળવી છે.