દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ભલે ઓછું થઈ ગયું હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસ પર શોધ કરતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જે રાજ્યમાં સાફ-સફાઈ ખરાબ છે અને જ્યાં પાણીની ગુણવત્તા પણ સારી નથી ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે અસરકારક રહ્યું નથી. એવા રાજ્યોમાં કોરોનાથી મોતનો આંકડો વિકસિત રાજ્યની સરખામણીમાં ખૂબ ઓછો જોવા મળ્યો છે.

સેન્ટર ફૉર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં ચોંકાવનારો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે મિડલ ઇનકમવાળા દેશમાં પેરાસાઇટ અને બેક્ટેરિયાથી ફેલાતી બીમારી હંમેશા રહી જ છે. આથી અહીંના લોકોમાં બેક્ટેરિયાથી લડવા માટે પહેલાથી જ ઇમ્યૂન સિસ્ટમ તૈયાર હોય છે. શરીરમાં થતાં આ બદલાવને હાયપોથિસિસ કહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે દેશો પહેલાથી જ આવી સમસ્યા સામે લડી રહ્યા છે ત્યાં કોરોનાના કેસ શરૂઆતથી જ ખૂબ ઓછા છે.

   રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યુ કે આ આખા કેસને ફેટાલિટી રેશિયો CFRથી સમજી શકાય છે. CFRનો મતલબ થાય છે કે કોઈ પણ મહામરીથી થતાં મોતનું પ્રમાણ. ભારત જેવા દેશની વાત કરવામાં આવે તો અહીં બિહાર ખૂબ પછાત જોવા મળી રહ્યું છે. અહીં સાફ-સફાઈ પર ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવે છે. આજ કારણ છે કે અહીંના લોકોમાં ઇમ્યૂન સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જે કોઈ પણ સંક્રમણ સામે લડવા માટે સક્ષમ છે. આજ કારણ છે કે બિહારમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુદર ૦.૫ ટકા જેટલું છે.

દેશમાં બિહારની જેમ કેરળમાં ૦.૪ ટકા, તેલંગાણામાં ૦.૫ ટકા, આસામમાં ૦.૪ ટકા જ્યારે ઝારખંડ અને છત્તીસગઢમાં ૦.૯ ટકા મોત જ કોરોના સંક્રમણને કારણે થયા છે. જ્યારે બીજી બાજુ વિકસિત રાજ્યોની વાત કરીએ તો અહીં પર કોરોના સંક્રમણને કારણે થયેલા મોતનો આંકડો વધી જાય છે. શોધમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબની વાત કરવામાં આવે તો અહીં કોરોનાથી મોતનો આંકડો બે ટકાથી વધારે રહ્યો છે. આ વાત પર જનમત શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.