હાલમાં ચાલી રહેલા IPL 2020ના પ્લે ઓફમાં સ્થાન મેળવનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો અહીં આજે આઇપીએલ ટી૨૦ લીગના એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. હૈદરાબાદની ટીમ પોતાનો વિજયરથને ટાઇટલ તરફ આગળ વધારવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કર્યા બાદ બીજા તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને હૈદરાબાદે પોઇન્ટ ટેબલમાં બેંગ્લોર કરતાં ઉપર ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બેંગ્લોરની ટીમ સતત ચાર પરાજય સાથે ચોથા ક્રમ ઉપર છે.

      હૈદરાબાદની ટીમે તેની છેલ્લી લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને ૧૦ વિકેટ પરાજય આપ્યો હતો. ઓપનર વોર્નર તથા સાહા ફોર્મમાં છે અને બંનેએ દિલ્હી સામે ૧૦૭ તથા મુંબઇ સામે અણનમ ૧૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે અત્યાર સુધીની ૧૪ મેચમાં ૫૨૯ રન બનાવ્યા છે. સાહાએ ત્રણ મેચમાં ૧૮૪ રન બનાવીને પ્રારંભિક મેચમાં પોતાના નહીં રમાડવાની ટીમ મેનેજમેન્ટે ભૂલ કરી હતી તે પુરવાર કર્યું હતું. વોર્નર અને સાહાનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહેવાના કારણે મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ તથા જેસન હોલ્ડરને વિશેષ કરવાની જરૂર પડી નથી. બોલિંગમાં હૈદરાબાદ પાસે સંદીપ શર્મા, હોલ્ડર, શાહબાઝ નદીમ, નટરાજન તથા રાશિદ ખાન ફોર્મમાં છે. આ ટીમની મજબૂતાઈ હાલમાં ખેલાડીઓનું ફોર્મ છે.

      કેપ્ટન વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમે પોતાના પ્રદર્શનમાં ઘણા ફેરફારો સાથે સુધારો પણ કરવો પડશે. સતત ચાર મેચ હાર્યા બાદ બેંગ્લોરના આત્મવિશ્વાસન પર મોટો ફટકો પડેલો છે. યુવા ખેલાડી પડ્ડિકલે સતત સારો દેખાવ કરીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બોલિંગમાં નવદીપ સૈની પાછો ફરે તેવી સંભાવના છે. ઇજાના કારણે તે છેલ્લી મેચમાં રમી શક્યો નહોતો. પેસ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, ઉદાના તથા ક્રિસ મોરિસ આક્રમક સંભાળશે. સ્પિનર્સ વોશિંગ્ટન સુંદર તથા યુજવેન્દ્ર ચહલની ભૂમિકા બેંગ્લોર માટે મહત્ત્વની રહેશે. જો ટીમના ખેલાડીઓ પોતાના ફોર્મમાં આવી જાય તો આ વખતે બેંગ્લોર ટીમ ફાઈનલમાં પોહ્ચવા અને જીતવાની દાવેદાર પણ બની શકે છે.