રાજ્યમાં પોલીસ નવા DGPના આગમન પછી અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલાં જ સુરતમાં એક PIને દારૂના દરોડા મામલે સસ્પેન્ડ કરાયા હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં દારૂના દરોડા પડતા જ સ્થાનિક PSI શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરોડામાં સુરત RR સેલ દ્વારા ૧.૭૪ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઘટના એવી છે કે સુરત RR સેલ દ્વારા બીલીમમોરા નજીક નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં ૭૮૦ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલા બૂટલેગરની ધરપકડ થઇ. આ દારૂનો જથ્થો આશરે ૧.૭૪ લાખ રૂપિયાનો હતો. પોલીસની રેડમાં એક ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો.
આ દરોડામાં આ મહિલા બૂટલેગરે આ દારૂનો જથ્થો અંકિત પટેલ અને જયેશ પટેલ આપી ગયા હોવાની કેફિયત આપી હતી. પોલીસે આ મામલે મહિલા બૂટલેગરની ધરપકડ કરી અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે, આ મામલે મરીન પોલીસ મથકની હદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને ઉચ્ચ અધિકારીના આદેશથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે એ થોડા દિવસો પહેલાં સુરતમાં પણ એક PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસો અગાઉ કડોદરા GIDCમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો જેને લઇને દારૂ જે વિસ્તારમાંથી ઝડપાયો તે વિસ્તાર કડોદરા GIDCમાં પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા.