કપરાડાની ૧૮૧ વિધાનસભા બેઠકની ૩ નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને કલેકટરે શનિવારે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી માટે જિલ્લાચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ થયું હોવાનું જણાવ્યું હતું. દારૂની હેરાફેરી રોકવા કડક કાર્યવાહી અને બુથો ઉપર બંદોબસ્ત ગોઠવવાનું પણ આયોજન કરાયું છે તેવું એસપીનું કહેવું છે.

    આર.આર.રાવલે જણાવ્યા મુજબ ૩૭૪ મતદાન મથકો ઉપર સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનેટરાઇઝિંગ, થર્મલ સ્ક્રીનિંગ જેવી વ્યવસ્થા છે. ફરજિયાત માસ્ક પહેરીને મતદાન કરવા આવવુ પડશે. ચૂંટણીને લગતું તમામ સાહિત્ય સહિતની સામગ્રી ૨ નવેમ્બરે મથકોએ ડિસ્પેચ કરવા માટે આયોજન છે. દરેક બુથ ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરાશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલિસ દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરાશે તેવું કલેકટરે ઉમેર્યું હતું. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસપી ડૉ. રાજદિપસિંહ ઝાલા, ડીડીએ અર્પિત સાગરે પણ પોતાની હાજરી આપી હતી.

   આ પેેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા તમામ પ્રયાસો તેજ કર્યા છે. ૩ નવેમ્બરે મતદાનની પ્રક્રિયા હાથ ધરાવાની છે. રવિવારે સાંજે 5 કલાકે ચૂંટણી પડઘમ શાંત થશે. બંને પક્ષો ગુપ્ત બેઠકો અને મતદારોને રિઝવાના પ્રયાસો કરશે. જો કે ગત ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે મતોનું અંતર ઓછુ હોવાથી આ વખતે ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે તેવું મનાય રહ્યું છે.

   કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ અને ન્યાયિક રીતે સંપન્ન થાય તે માટે કલેકટરે પ્રયાસો કરવામાં આવશે તેવું કલેકટર આર.આર.રાવલે જણાવ્યું હતું. SP ડૉ. રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં દમણ હદમાંથી દારૂની કોઇપણ રીતે હેરાફેરી ન થાય તે માટે દમણ પ્રદેશના આઇજી સાથે બેઠક કરવામાં આવી છે. જેનાથી દારૂની હેરાફેરી પર રોક લગાવવા તંત્ર કટિબધ્ધ છે. કોઇપણ પ્રલોભન નાણાંકિય હેરાફેરી સામે પણ સ્ટેટિકલ ટીમ વાહનોનું સતત ચેકિંગ જારી રાખશે. હવે આવનારો સમય જીતનો તાજ કોના માથે મુકવો એના લોકોના નિર્ણય સાથેનો આવશે.