મધ્યપ્રદેશના ખરગોનમાં મનરેગાના જોબકાર્ડમાં કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઝિરન્યા જનપદ સ્થિત પિપરખેડા નાકા પંચાયતના સરપંચ, સચિવ અને રોજગાર સહાયકે જોબકાર્ડ પર બોલિવૂડ એક્ટ્રેસનો ફોટો લગાડી દીધો છે. હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તસવીર એક પુરુષ લાભાર્થીના કાર્ડમાં લગાડવામાં આવી. અભિનેત્રી જૈકલીનનો ફોટો પણ મળ્યો.

       અધિકારીઓની સામે આવાં લગભગ એક ડઝન કાર્ડ આવ્યાં છે, જેમાં એક્ટ્રેસ અને મોડલના ફોટા લગાવીને લાખોની રકમ કાઢીને કૌભાડ કરવામાં આવ્યું હોય. જિલ્લા પંચાયત સીઈઓ ગૌરવ બૈનલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે એક સપ્તાહની અંદર દોષિતો પર કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા થોડા દિવસોમાં જ રકમ કાઢવામાં આવી હોવાની વાત પ્રકાશમાં આવી છે.

ઘટનાની જાણ
મનરેગામાં કેટલાક લાભાર્થીઓએ કામ કર્યું હતું. તેમને અત્યાર સુધીમાં પેમેન્ટ ન થયું તો તેમણે આ અંગેની વિગતો કાઢી. તેમણે મનરેગાની સાઈટ પર જઈને તેમનાં નામ સર્ચ કર્યાં તો ખબર પડી કે તેમનાં જોબકાર્ડ નકલી કાર્ડ બની ચૂક્યાં છે અને તેમાં અભિનેત્રીઓના ફોટા લગાવીને તેમનાં નામની રકમ પણ કાઢવામાં આવી છે. એ પછી લોકોએ પોતાનાં જોબકાર્ડ સર્ચ કર્યા તો લગભગ એક ડઝનથી વધુ એવાં કાર્ડ મળ્યાં જેમાં દીપિકા પાદુકોણ, જૈકલીન ફર્નાડિઝ જેવી અભિનેત્રીઓના ફોટો પુરુષોના જોબકાર્ડમાં લગાડવામાં આવ્યાં હતાં અને તેમનાં નામથી રકમ કાઢવામાં આવી હતી. મંગત, અનાર સિંહ, સોનુ, ગોવિંદ સિંહ, પદમ સિંહ જેવા ઘણા લાભાર્થીઓનાં કાર્ડ અહીં જોવા મળ્યાં. તેમાં તો કેટલાંક એવાં નામ પણ છે, જેમણે આજ સુધી જોબકાર્ડ બનાવ્યાં જ નથી.

     આવા જ એક પીડિત છે સોનુ ઉર્ફે સુનીલ. તેમણે જણાવ્યું- મારી પાસે મારું જોબકાર્ડ છે, જોકે મારી પત્નીના નામે બીજું નકલી જોબકાર્ડ બનાવવામાં આવ્યું. જ્યારે મેં સર્ચ કર્યું તો ખ્યાલ આવ્યો કે તેમાં દીપિકા પાદુકોણનો ફોટો છે. બધા લોકોએ કરપ્શન કર્યું છે. અમને તો એક રૂપિયો પણ મળ્યો નથી, જ્યારે મારા નામથી હજારો રૂપિયા લેવામાં આવ્યા છે.

    ભોગ બનેલા મનોજનું કહેવું છે કે તેમણે ક્યારેય કાર્ડ બનાવ્યું નથી, જોકે મોનુના નામે મારું નકલી કાર્ડ બનાવીને હજારો રૂપિયા કાઢવામાં આવ્યા છે. આ ઘટના મધ્યપ્રદેશની છે પણ  જો તપાસ થાય તો આ બધું ગુજરાતમાં પણ શક્ય છે આજે ગુજરાતમાં પણ આ નકલી મનરેગા જોબકાર્ડ બનાવીને લોકો અને સરકારી બાબુઓ હજારો, લાખોની ઉપાચત બહાર આવી શકે છે. સરકારે હવે કડક કાયદા સાથે ઝડપી નિર્ણય લઇ આવા ભષ્ટ્રાચાર રોકવાનો પ્રયાસ કરવો જોઈએ