વાંસદામાં સોમવારે આખો દિવસ બફારા બાદ રાત્રે 9 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. મળતી માહિતી મુજબ સોમવારે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી લગભગ નોંધવામાં આવ્યું હતું. જયારે સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને બપોર બાદ તેમાં ઘટાડો થઈને 78 ટકા થયું હતું. પવન પણ પ્રતિ કલાક 4 કિમીની ઝડપે ફૂંકાયો હતો. રાત્રે અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદના કારણે વાંસદા અને આજુબાજુ ગામોમાં પાણી ભરાઈ ગયા હતા અને વરસાદ સાથે પવન અને ગાજવીજના કારણે વીજપાવર પણ ગુલ થયો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પણ મોટું નુકશાન કે કોઈ હોનારત ન થતાં લોકો અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો.