નવસારી : હાલમાં સમગ્ર ગુજરાતમાં જયારે કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લામાં એથી ઉલટું અહીંના કેસોમાં ભારે ઘટાડો થઈ રોજ 5-6 કેસ જ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે.

       નવસારી જિલ્લામાં તો એથી વિપરીત સ્થિતિ જોવા મળી છે, અહીં તો કેસ વધવા યા તેટલા જ રહેવાની જગ્યાએ છેલ્લા 3 દિવસથી ખૂબ જ ઘટી ગયા છે. સરકારી ચોપડે 16 મી એ 5, 17મીએ 6 અને 18મીને શુક્રવારે પણ જિલ્લામાં માત્ર 5 જ કેસ નોંધાયા હતા. 3 દિવસ અગાઉ 10ની આસપાસ કેસ રોજ નોંધાતા હતા, તેની સામે અડધા જ કેસ નોંધાઈ રહ્યા છે એમ કહી શકાય.

     શુક્રવારે જે 5 કેસ બહાર આવ્યા તેમાં નવસારીમાં 3 કેસ હતા. નવસારીના તુલસીવન, ધારાગીરી અને કબીલપોરમાં કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બોરસી દીવાદાંડી અને વાંસદામાં પણ એક-એક કેસ નોંધાયા હતા. નવા 5 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1079 થયા હતા. શુક્રવારે વધુ મૃત્યુ ન નોંધાતા કોરોનાના દર્દીનો મૃત્યુઆંક 98 જ રહ્યો હતો.

    ખરેખર માનવામાં ન આવે એવી આ વાત છે પણ સરકારી ચોપડાની માનીએ તો આ હકીકત છે. સ્થાનિક લોકોમાં કોરોનાના ઘટેલા કેસોને લઈને થોડી શંકા સાથે થોડી ખુશી પણ જોવા મળી રહી છે.જો લોકો થોડી કોરોના સંદર્ભે  સાવચેતી રાખવા નિર્ણય અને પ્રયાસ કરે તો સારા પરિણામ સંભવી શકે.