રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામના એક ખેતરમાંથી ૭૦૦ વર્ષ જુના ૩ શિલાસ્તંભો મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગને આ મામલે જાણ કરતા હવે પુરાતત્વ વિભાગ હવે તપાસ કરી સત્ય અને ઐતિહાસિક મહત્વને વધુ ઉજાગર કરશે. આ ખેતર રાજ્યના પૂર્વ વનમંત્રીનું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતનો નર્મદા જિલ્લો આદિવાસી લોકોની વસ્તી ધરાવતો જિલ્લો છે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં એવા ઘણા સ્થળો છે જે રાજા-રજવાડાઓ અને આદિવાસીઓની સંસ્કૃતિના વર્ષો જૂનો ઇતિહાસની સાક્ષી આપણી સમક્ષ બને છે. રાજપીપળામાં હાલમાં પણ ઘણી બધી જૂની ઈમારતો અને મહેલો હયાતીમાં છે જેની મુલાકાતે અનેક પ્રવાસીઓ અને રિસર્ચરો આવતા હોય છે. ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા ના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે આવેલા ખેતરમાંથી ૭૦૦ વર્ષ જૂના ૩ શિલાસ્તંભો મળ્યાનું બહાર આવ્યું છે. આ સંદર્ભમાં મોતીલાલ વસાવા જણાવે છે કે, મારા ખેતર નજીકથી ૧૪૫૧ વર્ષના 3 શિલા સ્તંભો મળી આવ્યા છે. જેમાં “વસાવા કાનુપાલ કલા વિવાહ” જેવું છીછરૂં લખાણ દેખાય છે, જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક દેખાય છે.
દેશ સાથે ગુજરાતનો પણ સાંસ્કૃતિક વારસો અનેરો રહ્યો છે. ગુજરાતના પુરાતત્વ વિભાગે અગાઉ પણ ઘણા એવા શિલા સ્તંભો, શિલાલેખો શોધ કરી છે. જણાવી દઈએ કે આ શિલા સ્તંભમાં પહેલા સ્તંભ પર ઘોડે સવારનું છે, તેની નીચે આદિવાસી પહેરવેશમાં તલવાર અને ઢાલ સાથે 3 યુવાનો ઉભેલા દેખાય છે. બીજા સ્તંભ પર એક જંગલી જાનવર માણસ ઉપર હુમલો કરતા ઘોડે સવાર જંગલી જાનવરને ભાલાથી મારી માણસને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેની નીચે આદિવાસી પહેરવેશમાં 3 યુવતીઓ ઉભેલી છે. ઉપરના ભાગમાં સુરજ અને તિથિ પ્રમાણે ચંદ્રની પ્રતિકૃતિ દેખાય રહી છે. જ્યારે ત્રીજો સ્તંભ ખંડિત થયેલો જોવા મળે છે, તેમાં ઘોડેસવાર અને નીચેના ભાગમાં ગાય અને વાછરડાની પ્રતિકૃતિ છે. આ શિલા સ્થંભની પુરાતત્વ વિભાગને પત્ર દ્વારા જાણ કરી છે.
વધુ માહિતી પુરાતત્વ વિભાગના જવાબની રાહ જોવાઈ રહી છે….