મધ્યપ્રદેશની સરકારના આ નિર્ણયના લીધે સ્થાનિક જનતાની અને અન્ય રાજ્યો જનસમૂહો અને સરકારો પર કેવી અસર થાય એ જોવું અને જાણવું રસપ્રદ બનશે અને જો આ કાયદાનો અમલ થાય તો અન્ય રાજ્યો પણ અનુસરશે અને ક્યાંક દેશભરમાં પ્રાંતવાદ સળગશે એવી આશંકા નકારી ના શકાય.  

 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સરકારી નોકરીને લઇને કાયદો બદલી રહ્યાં છે. હવેથી મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરતા કહ્યું કે આ માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કમલનાથ સરકારે સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

કમલનાથ સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં 7૦ ટકા સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના વતની હોવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ઉદ્યોગકારો સરકારી યોજનાઓ, કર મુક્તિનો લાભ ત્યારે જ મેળવી શકશે જ્યારે તેઓ મધ્યપ્રદેશના લોકોને રોજગારનો 70 ટકા ભાગ પૂરો પાડશે. આ અગાઉ સીએમ શિવરાજે જાહેરાત કરી હતી કે અમે આદિવાસીઓને શાહુકારોના ચુંગાલથી બચાવવા માટે નવો કાયદો લાવી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે મધ્યપ્રદેશની સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ સરકારની નોકરી માત્ર મધ્યપ્રદેશના યુવાનોને આપવામાં આવશે. તે માટેની કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને સરકારી નોકરી માટે તક આપવાની માંગ સમયે-સમયે થતી રહી છે અને ઘણી ચૂંટણીઓમાં તેને મુદ્દો પણ બનાવવામાં હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા કેટલા સમય સુધી પૂર્ણ થશે તે અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન સરકારના વહીવટતંત્રએ આપ્યું નથી. સરકારનો આ નિર્ણય પર લોકોની શી પ્રતિક્રિયા છે એ જોવાનું બાકી છે    .