દક્ષિણ ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો અંકે કરવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. આપણે જાણીએ છીએ તેમ ડાંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યાં છે
એવામાં માહિતી મળી રહી છે કે ડાંગ જિલ્લામાં સુબીર તાલુકા પંચાયતની દહેર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ સોલંકીનું ફોર્મ રદ થતાં આ બેઠકમાં ભાજપની સીટ બિનહરીફ જાહેર થઇ છે. ડાંગ જિલ્લામાં યોજાયેલી પેટાચૂંટણી ભાજપ માટે શુકનિયાળ સાબિત થઇ છે.
તાજેતરમાં મળેલી વિગતો પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ઇશ્વર સોલંકીના ફોર્મની ચૂંટણીપંચ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન ફોર્મમાં વિગતો અધૂરી હોવાનું ચૂંટણી અધિકારીને જણાઇ આવતા પ્રદીપ સોલંકીનુ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપના ઉમેદવાર રઘુભાઈ કાળુભાઈ સાલ્વે બિનહરીફ જાહેર થયા હતા અને આ બેઠક મહેનત વગર ભાજપના ખોળામાં આવી ગઈ હતી.
આ બનાવથી સુબીરમાં તાલુકાના દહેર પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષમાં સન્નાટો અને સમગ્ર ડાંગ જિલ્લા ભાજપમાં ખુશોનો માહોલ છવાઈ ગયો હતો.