ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં એક પ્રકારનું ઝનુન જોવા મળી રહ્યું છે. રાજ્યના રાજકીય પક્ષો પ્રચાર માટે નવા નવા પ્રયોગ કરી રહ્યા છે. જીત માટે વલખા મારી રહ્યા છે. પ્રચાર અને દાવાબાજી વચ્ચે ભાન ભૂલેલા એક કાર્યકર્તાએ એવું પગલું ભર્યું જાણે પક્ષ જ સર્વોચ્ચ સ્થાને હોય.
વાત એવી બની કે રાજકોટ શહેરના એક યુવા ભાજપ કાર્યકર્તાએ પોતાનો પક્ષપ્રેમ છતો કરવા જીવના જોખમે પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે મોબાઈલના ટાવર પર ચડીને તે પક્ષની ઝંડો ફરકાવ્યો હતો આને પક્ષપ્રેમ કહેવો કે પાગલપન ? એ સમજ બહાર છે. 50 ફૂટ ઊંચા ટાવર પર ચડીને, જીવના જોખમે તે આ રીતે પક્ષનો પ્રચાર કરી રહ્યો છે.
આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. લોકોનું કહેવું છે કે આવો પ્રચાર કરીને ભાજપ શું સાબિત કરવા માગે છે ? આવામાં કાર્યકર્તાનો પગ લપસી પડે અને ઈજા થાય તો જવાબદાર કોણ? એના પરિવારનું શું? ચૂંટણીમાં મહેનત કરવાની જવાબદારી આગેવાનો અને કાર્યકર્તાઓની હોય છે. પણ જીવના જોખમે આ પ્રકારનો પ્રચાર કેટલો યોગ્ય ગણાય શકે. ગુજરાતનું આ ચુંટણીનું પરિણામ આવનારા સમયમાં લોકનિર્ણયો નક્કી કરશે.