વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલમાં ધસી જઇને સેનેટ કબજે કરવાના પ્રયાસ કર્યા હતા. હિંસક ટોળાને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં એક મહિલા ઉપરાંત કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ અને સિક્યોરિટી દળોએ તોફાનીઓને બહાર કાઢ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેપિટલ હિલમાં ઇલેક્ટોરલ કૉલેજની પ્રક્રિયા ચાલુ હતી અને ગમે તે ઘડીએ જો બાઇડનને નવા પ્રમુખ જાહેર કરવાની ગણતરી ગણાતી હતી ત્યારે ટ્રમ્પ સમર્થકોએ હજારોની સંખ્યામાં એક માર્ચ યોજી હતી અને કેપિટલ હિલ તરફ ધસી ગયા હતા. આમ તો સિક્યોરિટીએ આ ટોળાને શાંતપાડવા પૂરતી વ્યવસ્થા કરી હતી પરંતુ ધાંધલ ધમાલ અટકી નહીં અને લોકો કેપિટલ હિલમાં ઘુસી ગયા હતા. તેમને રોકવા પોલીસે લાઠીચાર્જ ટીઅર ગેસ વગેરે સાધનો અજમાવ્યાં હતાં પરંતુ લોકો હિંસક બન્યા હતા. આખરે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં એક મહિલા મરણ પામી હતી. આખો વિસ્તાર ખાલી કરાયો ત્યારે જોવા મળ્યું હતું કે ટ્રમ્પના સમર્થકો પાસે ગન ઉફરાંત બીજાં ખતરનાક શસ્ત્રો પણ હતાં.

પરિસ્થિતિ વણસતી જોઇને ટ્રમ્પ અને જો બાઇડન બંનેએ શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જાહેર અપીલ કરી હતી. અગાઉ પણ ટ્રમ્પના સમર્થકોએ અવારનવાર હિંસક દેખાવો કર્યા હતા.પરંતુ કેપિટલ હિલમાં ઘુસવાનો આ પહેલો પ્રયાસ હતો. વાતાવરણ વધુ તંગ બનતાં વૉશિંગ્ડટન ડીસીમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

જો બાઇડને જાહેરમાં એવી અપીલ કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે દેશની માફી માગવી જોઇએ અને પોતાના તોફાની સમર્થકોને રોકવા જોઇએ. ત્યાર બાદ ટ્રમ્પે ટ્વીટર પર પોતાના સમર્થકોને શાંતિથી વિખેરાઇ જઇને ઘર ભેગા થવાની અપીલ કરી હતી. જો કે આ અપીલમાં પણ એમણે ચૂંટણીમાં ગોલમાલ થયાનું પોતાનું જૂનું ગાણું ફરી એકવાર ગાયું હતું. ઉપપ્રમુખ માઇક પેંસે હિંસાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે હિંસાથી કદી કોઇ સમસ્યાનું નિરાકરણ થતું નથી.