ધરમપુર: ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારના આંતરિયાળ ગનવા ગામે સ્થાનિક યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે ‘યુવાધન ગ્રુપ’ દ્વારા એક સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિનેશ, કલ્પેશ અને અજય સહિતના અનેક યુવાનોની મહેનતથી તૈયાર થયેલા આ નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

આ ગ્રાઉન્ડનું લોકાર્પણ સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ તેમજ આંબોસી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર શૈલેષ દેશમુખ, વિષ્ણુ ગાંવિત, સુરેશભાઈ સહરિયા, શીવાભાઈ ગાંવિત, કાર્તિક, કૃણાલ ભોયા, રાજેશ રાઉત અને ગામના વડીલોના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધતા ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે,ક્રિકેટ અને રમતગમતના માધ્યમથી યુવાનોમાં જે એકતા અને ભાઈચારો વધે છે, તેનો સકારાત્મક ઉપયોગ દેશ અને સમાજના વિકાસ માટે કરવો ખૂબ જ જરૂરી છે. નવા ગ્રાઉન્ડના ઉદ્ઘાટન સાથે જ ગામમાં 8 દિવસ સુધી ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ પ્રારંભ થયો છે, જેમાં આસપાસના વિસ્તારમાંથી કુલ 48 જેટલી ઉત્સાહી ટીમોએ ભાગ લીધો છે.

ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ ગામના બાળકો, યુવાનો અને વડીલોને પોતાના હસ્તે દિવાળીની મીઠાઈઓ ખવડાવીને સૌનું મોઢું મીઠું કરાવ્યું હતું અને પર્વની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે ગનવા ગામના આંતરિયાળ વિસ્તારમાં પ્રવર્તતી ઓછી નેટવર્ક કનેક્ટિવિટી તેમજ શાળા, રસ્તા અને પાણી જેવી પાયાની સમસ્યાઓનું ત્વરિત નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ જોરદાર અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમથી ગ્રામીણ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here