ધરમપુર: દિવાળીની રાત્રે જ્યારે દરેક ઘર દીવાઓથી ઝળહળી ઊઠે છે, ત્યારે કેટલાક બાળકો એવા પણ હોય છે જેમની પાસે ‘મમ્મી-પપ્પા સાથેની દિવાળી’ની કોઈ યાદ હોતી નથી. આવા જ વંચિત અને અનાથ બાળકોની આંખોમાં આ વર્ષે ખુશીનો અસલી દીવો પ્રગટ્યો છે. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના મહામંત્રી અને ગ્લોબલ ગ્રામિણ વિકાસ ટ્રસ્ટ (GGVT)ના પ્રમુખ તેજસ પટેલે પોતાની દિવાળીનો ખર્ચ ઘટાડીને ધરમપુર તાલુકાના છેવાડાના મુરદડ ગામે આશરે 120 અનાથ અને જરૂરિયાતમંદ બાળકો સાથે આખો દિવસ વિતાવી એક અદ્ભુત પ્રકાશપર્વ ઉજવ્યું હતું.
મુરદડ ગામે શિક્ષક દંપતી નિલેશભાઈ અને હીનાબેન ૫૨થી વધુ અનાથ બાળકો સહિત કુલ ૧૨૦ બાળકોને પોતાનાં સંતાન માનીને ઉછેરી રહ્યાં છે. પોતાની જીવનભરની મૂડી અને સમય ખર્ચીને તેઓ આ બાળકોને ઘર, શિક્ષણ અને પરિવાર જેવી હૂંફ આપી રહ્યા છે. આ સેવાકાર્યની જાણ થતાં તેજસ પટેલે આ વર્ષની દિવાળી આ જ બાળકો સાથે ઉજવવાનો સંકલ્પ કર્યો અને પરિવારજનો તથા બાળપણના મિત્રો સાથે મુરદડ પહોંચ્યા હતા.
આ વિશેષ દિવસે બાળકો માટે ફટાકડા, મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દિવસની સાચી ભેટ કોઈ ચીજવસ્તુ નહીં પરંતુ સાથ અને સ્નેહ હતો. બાળકો સાથે ફટાકડા ફોડ્યા, રમતો રમાઈ, વાર્તાઓ કહેવાઈ અને અંતે સૌએ એક જ પંગતમાં બેસીને સાથે ભોજન લીધું. ફૂલઝરીના પ્રકાશમાં ચમકતા નાના ચહેરા અને નિર્દોષ આંખોમાં દેખાતો આનંદ જોઈને ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. તે દિવસ માટે આ બાળકો ‘અનાથ’ નહોતાં, પરંતુ એક વિશાળ પરિવારનો હિસ્સો બન્યાં હતાં.
આ બાળકોએ મને દિવાળીનો સાચો અર્થ સમજાવ્યો” – તેજસ પટેલ
ભાવુક થઈને તેજસ પટેલે જણાવ્યું હતું કે, આપણે દર વર્ષે નવાં કપડાં, મીઠાઈ અને રોશની પાછળ ખર્ચ કરીએ છીએ, પણ આ વર્ષે મને સમજાયું કે દિવાળીનો સાચો પ્રકાશ ઘરની દીવાલો પર નહીં, કોઈ બાળકના ચહેરા પર દેખાય છે. જ્યારે એક બાળક દોડતું આવીને હાથ પકડી લે અને સાથે જમે, ત્યારે જે સંતોષ મળે છે તે અન્ય કોઈ ઉજવણીમાં નથી મળતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું વર્ષોથી શિક્ષક છું અને સમજું છું કે બાળકને પુસ્તકો પહેલાં પ્રેમ અને પોતાપણાની જરૂર હોય છે. જે બાળક પાસે પરિવાર નથી, તેના માટે સમાજે જ પરિવાર બનવું પડે. જો દરેક સક્ષમ વ્યક્તિ પોતાની ખુશીનો થોડો હિસ્સો આવા બાળકો માટે ફાળવે, તો કોઈ બાળક ક્યારેય પોતાને એકલું નહીં અનુભવે.
મુરદડની આ દિવાળીએ સમગ્ર સમાજને એક અત્યંત હૃદયસ્પર્શી સંદેશ આપ્યો છે કે દિવા પોતાના ઘરમાં પ્રગટાવવો એ પરંપરા છે, પણ કોઈ બીજાના જીવનમાં પ્રકાશ પાથરવો એ જ સાચી દિવાળી છે.











