ધરમપુર: ધરમપુર તાલુકામાં આવેલા ઐતિહાસિક અને સરકારના પુરાતત્વ વિભાગ હસ્તકના ‘લેડી વિલ્સન મ્યુઝિયમ’માં સ્થાનિક ઇતિહાસ, મહાન સંતો, રાષ્ટ્રનાયકો અને સાહિત્યકારોના પ્રદાનની ધરાર ઉપેક્ષા થઈ રહી હોવાની વ્યાપક લોકલાગણીઓ અને ભારે જનરોષ વ્યાપ્યો છે. આ સંદર્ભે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ.નિરવ ભુલાભાઈ પટેલે રાજ્યના મ્યુઝિયમ નિયામક અને વલસાડ કલેકટર સહિત ઉચ્ચ વહીવટી તંત્રને પત્ર લખીને મુખ્ય વિવાદ શ્રીમદ રાજચંદ્રજી ગેલેરીની સમયમર્યાદા અંગે ઊભો થયો છે. વર્ષ ૧૯૦૦માં શ્રીમદ રાજચંદ્રજી ધરમપુર પધાર્યા હતા, જે પ્રસંગના ૧૨૫ વર્ષ પૂર્ણ થવા પર મ્યુઝિયમમાં ૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

Decision News મળેલી માહિતી મુજબ સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે ઉપલબ્ધ જાણકારી અનુસાર આ પ્રદર્શન માત્ર 35 દિવસ માટે જ મંજૂર કરાયું હતું. આ પરવાનગીની મુદત વધારીને તેને કાયમી મંજૂરી આપી દેવાઈ છે કે કેમ, તે અંગેના સત્તાવાર સરકારી આદેશો અને વહીવટી મંજૂરીની નકલ જાહેર જનતા સમક્ષ સ્પષ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.વધુમાં ડૉ.નિરવ ભુલાભાઇ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુજી શ્રીમદ રાજચંદ્રજીના નામ પર રચાયેલા સંસ્થાનના વિરોધી નથી, પરંતુ જો મ્યુઝિયમમાં કોઈ એક મહાનુભાવની સ્મૃતિને કાયમી સ્થાન આપી શકાતું હોય, તો ધરમપુરની ધરતી પર જેમનું અમૂલ્ય યોગદાન છે તેવા ધરમપુરના પ્રખ્યાત આદિવાસી સંત,જેમણે સમાજમાં ક્રાંતિકારી સુધારા કર્યા અને જેમનો તત્કાલીન રાજઘરાના સાથે ગાઢ સંબંધ હતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીજી ધરમપુરના મહારાણી કુશળ કુંવરબાના અત્યંત ભક્તિભાવપૂર્વકના આગ્રહથી ધરમપુર પધાર્યા હતા તેમજ હિન્દવી સ્વરાજ્યના સ્થાપક અને રાષ્ટ્રગૌરવ છત્રપતિ શિવાજી મહારાજે 1662-1670 દરમ્યાન ધરમપુરની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ જેમણે ધરમપુરમાં ‘નંદિગ્રામ’ આશ્રમ સ્થાપીને સાહિત્ય અને આધ્યાત્મિક સ્તરે ધરમપુરનું નામ વિશ્વફલક પર રોશન કર્યું છે તેમજ ધરમપુર-કપરાડાના અતિ પછાત અને ગરીબ પરિવારો માટે હજારો ઘરો બનાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર સંસ્થાની સેવાઓની પણ સદંતર અવગણના થઈ છે.

આથી શ્રીમદ રાજચંદ્રજી ગેલેરીને આપવામાં આવેલી વહીવટી મંજૂરીના સરકારી આદેશો અને તેની સમયમર્યાદા અંગેની સત્તાવાર માહિતી પ્રજા સમક્ષ સ્પષ્ટ કરવામાં આવે તેમજ લેડી વિલ્સન મ્યુઝિયમ એ ગુજરાત સરકારનું સાર્વજનિક મ્યુઝિયમ હોવાથી, ધરમપુરના ભવ્ય ઇતિહાસને ન્યાય આપવા માટે પૂજનીય આદિવાસી સંત દિત્યાબાપા, પૂજનીય સહજાનંદ સ્વામી, છત્રપતિ શિવાજી મહારાજ, નંદિગ્રામના મકરંદભાઈ દવે – કુંદનિકાબેન કાપડિયા અને સર્વોદય ટ્રસ્ટના સામાજિક કાર્યોને દર્શાવતી એક અલગ કાયમી ‘ધરમપુર ગૌરવ ગેલેરી’ અથવા આર્ટ સેક્શન તાત્કાલિક ધોરણે ઊભો કરવામાં આવે એવી માંગ છે જેથી આવનારી પેઢી ધરમપુરના ભવ્ય ઇતિહાસ વિશે જાણીને ગર્વ અનુભવી શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here