ધરમપુર/ખોબા: આ વર્ષે દિવાળીની ઉજવણી માત્ર ફટાકડા અને પ્રકાશ પૂરતી સીમિત ન રહેતા, પ્રકૃતિને સમર્પિત બનીને એક અનોખી મિસાલ કાયમ થઈ છે. લોક મંગલમ્ વિદ્યાપીઠ (ખોબા આશ્રમ) અને પ્રાથમિક શાળાના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને આ દિવાળી વેકેશન દરમિયાન પોતાના ઘરે રોપવા માટે મહુડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ નાનકડી પણ સરાહનીય પહેલ થકી વિદ્યાર્થીઓ પોતાના ઘરઆંગણે વૃક્ષારોપણ કરીને નાની વયથી જ પર્યાવરણ રક્ષણની જવાબદારી સંભાળતા શીખશે. ઉલ્લેખનીય છે કે, મહુડાનું વૃક્ષ આપણી આદિવાસી સંસ્કૃતિ, આર્થિક સ્વાવલંબન અને કુદરતી સંરક્ષણ સાથે અતૂટ નાતો ધરાવે છે અને તે પ્રદેશનો એક અમૂલ્ય પ્રાકૃતિક વારસો છે.
જ્યારે આ 200 વિદ્યાર્થીઓ પોતાના ઘરના આંગણે આ છોડ રોપીને તેનું જતન કરશે, ત્યારે સાચા અર્થમાં “એક છોડ એક નવું જીવન” અને “એક વૃક્ષ = સ્વચ્છ હવા અને ઉજ્જવળ ભવિષ્ય”નો મંત્ર સાર્થક થશે. શાળા પરિવાર અને આશ્રમની આ પહેલથી પ્રેરણા લઈને સમાજના દરેક વર્ગે પ્રકૃતિ રક્ષાનો સંકલ્પ લેવો જોઈએ.











