ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામના લોકોએ આવનારા દિવસોમાં પાણીની અછત ઊભી ન થાય અને ઉનાળાના આખરી દિવસોમાં ગામના દરેક પરિવારને જરૂરિયાત મુજબ પૂરતું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી એક પ્રેરણાદાયી અને અનોખી પહેલ હાથ ધરી છે.
Decision News મળેલી જાણકારી મુજબ ગામ લોકોએ એકજૂથ થઈને ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું અને ચેકડેમની ઊંચાઈમાં આશરે 2 ફૂટનો વધારો કર્યો છે. પ્લાસ્ટિકની બેગમાં માટી ભરીને કરવામાં આવેલું આ કાર્ય દેખાવમાં ભલે સામાન્ય લાગે, પરંતુ આગામી સમયમાં પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર જાળવી રાખવા માટે તેનું યોગદાન ખૂબ મોટું બની શકે છે. આ માત્ર ચેકડેમની ઊંચાઈ વધારવાનું કાર્ય નથી, પરંતુ ગ્રામજનોની એકતા, જાગૃતિ, જવાબદારી અને સામૂહિક શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે.

આજે સૌના સહિયારા શ્રમ અને સહયોગથી બચાવેલું એક-એક ટીપું પાણી આવતીકાલે અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સરાહનીય કાર્યમાં સહભાગી બનેલા તમામ ગ્રામજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે.











