ડાંગ: ભારતીય એથ્લેટિક્સ જગતમાં ડાંગનું નામ રોશન કરનાર અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ એક મોટા નાણાકીય ફ્રોડનો શિકાર બની છે. રેતીના ધંધામાં રોકાણ કરવાના બહાને તેમની સાથે 69.10 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Decision News ને પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતા નિતીનભાઈ ભારતી નામના શખ્સે સરિતા ગાયકવાડનો સંપર્ક કર્યો હતો. આરોપીએ તેમને રેતીના વેપાર (સેન્ડ બિઝનેસ)માં નાણાંનું રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આરોપીએ વિશ્વાસમાં લેવા માટે દર મહિને રોકાણ પર 4 ટકા જેટલો મોટો અને આકર્ષક નફો આપવાની લાલચ આપી હતી. આ લોભામણી વાતોમાં આવીને સરિતાબેને ફોન-પે (PhonePe) તેમજ વિવિધ બેંક ખાતાઓ દ્વારા અલગ-અલગ હપ્તાઓમાં કુલ ₹69,10,056 ટ્રાન્સફર કર્યા હતા.
મોટી રકમ પડાવ્યા બાદ આરોપીએ શરૂઆતમાં માત્ર ₹1.80 લાખ જ પરત કર્યા હતા, જ્યારે બાકીના લાખો રૂપિયા આપવાનું ટાળવા લાગ્યો હતો. સરિતાબેને જ્યારે પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ વિશ્વાસ કેળવવા માટે ₹30 લાખનો ચેક આપવાનું કહી માત્ર તેનો ફોટો વોટ્સએપ પર મોકલી આપ્યો હતો, પરંતુ વાસ્તવમાં કોઈ ચેક હેન્ડઓવર કર્યો નહોતો. છેલ્લા બે મહિનાથી આરોપીએ ફોન પણ બંધ કરી દીધા છે અને સરિતાબેનના કોલ રીસીવ કરવાનું ટાળી રહ્યો છે. આખરે પોતાની સાથે મોટું ફ્રોડ થયાનું ધ્યાને આવતા સરિતા ગાયકવાડે ન્યાય મેળવવા માટે પોલીસનો દરવાજો ખખડાવ્યો છે, અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











