ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના શીંગાણા જૂથ ગ્રામ પંચાયતના વિભાજનની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી સંદર્ભે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામસભાના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચીમકી આપવામાં આવી છે કે જો પંચાયત વિભાજનનું આખરી જાહેરનામું સત્વરે બહાર પાડવામાં નહીં આવે તો જૂથ પંચાયત હેઠળ આવતા ગામો દ્વારા આગામી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ શીંગાણા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ચારેય ગામો—શીંગાણા, ઝરણ, મોખામાળ અને જામન્યામાળના ગ્રામજનો, વડીલો, યુવાનો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં વહીવટી સરળતા તથા સ્થાનિક વિકાસ માટે પંચાયતનું વિભાજન કરીને (1) શીંગાણા-ઝરણ જૂથ ગ્રામ પંચાયત, (2) મોખામાળ જૂથ ગ્રામ પંચાયત અને (3) જામન્યામાળ જૂથ ગ્રામ પંચાયત બનાવવાની માંગણી કરાઈ છે.
આ અંગે ગ્રામસભા દ્વારા 2/10/2025 ના રોજ સર્વાનુમતે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. સરકારના નિયમો મુજબ ભૌગોલિક અંતર (શીંગાણાથી મોખામાળ 5.50 કિ.મી. અને શીંગાણાથી જામન્યામાળ 5.00 કિ.મી.), આદિજાતિ વિસ્તાર માટેની નિયત વસતી, 5% મતદારોની સહીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સંયુક્ત બાહેધરી પત્રક સહિતના તમામ માપદંડો પૂર્ણ થાય છે.
તમામ પ્રક્રિયાઓ અને માપદંડો પૂર્ણ હોવા છતાં આખરી જાહેરનામું બહાર પાડવામાં વિલંબ થતાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે જાહેરનામું પ્રસિદ્ધ ન થાય તો ચૂંટણી બહિષ્કારનો કડક નિર્ણય લેવાની આખરી ચીમકી આપી છે.











