વલસાડ: વલસાડ જિલ્લાના ડુંગરી વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આચરવામાં આવેલા એક ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 45.06 લાખથી વધુની મત્તા પડાવી લેનાર યુવકની ડુંગરી પોલીસે ધરપકડ કરી છે
Decision News ને મળેલી જાણકારી મુજબ આરોપી ધ્રુવિલ પટેલે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડુંગરીની 17 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ, આરોપી સગીરાને વલસાડના તિથલ રોડ પર આવેલી એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને ગુપ્તરીતે અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આરોપી ધ્રુવિલ પટેલને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું, જેના કારણે તેણે સગીરાને તેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારજનોને મોકલીને બદનામ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. ડરના માર્યા સગીરાએ પોતાના ઘરમાંથી રોકડ રકમ તથા સોનાના કિંમતી દાગીના ચોરી કરીને ધ્રુવિલને આપ્યા હતા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઘરમાં ચાલી રહેલા રિનોવેશનના કામ દરમિયાન પરિવારજનોને ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ હોવાનું ધ્યાને આવ્યું. પરિવારે કડક પૂછપરછ કરતાં સગીરાએ ડરતા ડરતા સમગ્ર હકીકત જણાવી હતી, જેને સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ ગંભીર મામલે સગીરાની માતા દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી ધ્રુવિલે સગીરા પાસેથી રોકડ અને સોનાના દાગીના મળીને કુલ રૂ. ૪૫,૦૬,૭૨૮ ની મત્તા પડાવી લીધી હતી. વલસાડ ડુંગરી પોલીસે ત્વરિત અને સઘન કાર્યવાહી કરીને આરોપી ધ્રુવિલ પટેલને ઝડપી પાડ્યો છે હાલ પોલીસે આરોપીના કબજામાંથી સોના અને રોકડની રિકવરી કરવા તેમજ આ ગુનામાં વપરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.











