ધરમપુર: આદિવાસી યુવાનો અને વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ કારકિર્દીની યોગ્ય દિશા મળી રહે તેવાુ ઉત્તમ હેતુથી આદિવાસી યુવા મંચ દ્વારા તામછડી ખાતે એક વિશેષ યુવા માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તામછડી ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી સેમિનારમાં તામછડી, પેણધા, જામલિયા અને ઢાંકવળ સહિત આસપાસનાં વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણી વક્તાઓ અને મહેમાનો તરીકે SASના મહામંત્રી તેજસ પટેલ, A.K. પટેલ, નીતિન ચૌધરી (SO), સૌરભ મહલા, નિલેશ નિકુલિયા (સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ), અશોક પટેલ (ITI વિભાગના વડા), આકાશ પટેલ (કોન્ટ્રાક્ટર), રણજીતભાઈ (તામછડી સરપંચ), વિનયભાઈ (તાલુકા સભ્ય), નરેશભાઈ (પેણધા ગામના સરપંચ) અને હીરાભાઈ (માજી સરપંચ) વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણનું જીવનમાં અનોખું મહત્વ, ઉચ્ચ અભ્યાસની તકો, વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દીના વિકલ્પો અને રોજગારલક્ષી માર્ગો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ યુવાનોને જીવનમાં સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરીને માત્ર શિક્ષણના માધ્યમથી જ સક્ષમ બની આગળ વધવા માટે વિશેષ પ્રેરણા પૂરી પાડી હતી. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને યોગ્ય મંચ અને દિશા મળી રહે તે માટે આદિવાસી યુવા મંચ, તામછડી દ્વારા કરવામાં આવેલા આ સરાહનીય પ્રયાસની સ્થાનિક સ્તરે વ્યાપક પ્રશંસા થઈ રહી છે.











