નાનાપોંઢા: કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તારની વારોલી તલાટ પ્રાથમિક શાળાના પ્રેરણાદાયી શિક્ષક ઉત્તમભાઈ રઘુભાઈ જાદવનો નિવૃતિ વિદાયમાન સમારોહ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય અને ભાવુક માહોલમાં ઉજવાયો હતો. જે શાળામાં તેમણે પોતે અભ્યાસ કર્યો હતો, તે જ શાળામાં શિક્ષક તરીકે સેવાઓ આપીને અને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીને તેમણે પોતાના ‘ઉત્તમ’ નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ઉત્તમભાઈના જીવન સંઘર્ષ અને કારકિર્દીને બિરદાવતા જણાવ્યું હતું કે, અત્યંત વિષમ પરિસ્થિતિઓ વચ્ચે અભ્યાસ કરીને શિક્ષક બનેલા ઉત્તમભાઈએ સેવાની ઉત્તમ મિસાલ કાયમ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા 8 થી વધુ વિદ્યાર્થીઓ આજે તબીબ, પ્રોફેસર, પી.એસ.આઈ., ક્લાસ-૨ અધિકારીઓ, ઇજનેર અને સંખ્યાબંધ શિક્ષકો તરીકે સફળ કારકિર્દી ઘડી રહ્યા છે. કપરાડા-નાનાપોંઢા તાલુકામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચી લાવવામાં શિક્ષકોની મહેનત અન્નન છે તેમ જણાવી ધારાસભ્યએ આવનારા સમયમાં દરેક શાળામાં લાયબ્રેરી અને કોમ્પ્યુટર લેબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે ઉત્તમભાઈને શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કર્યું હતું.

સન્માનના પ્રત્યુત્તરમાં ભાવુક બનેલા ઉત્તમભાઈએ ભીની આંખે સાથી શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ઘડતર પાછળના તેમના સંસ્મરણો વાગોળતા વાતાવરણ ભાવુક બન્યું હતું. આ સમારોહમાં વિસ્તારના અગ્રણી પ્રીતમ રાઉત, માજી ધારાસભ્ય માધુ રાઉત અને તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેશ પટેલે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here