વાંસદા | ડિસિઝન ન્યૂઝ વાંસદા તાલુકાના નાના એવા કેવડી ગામથી શરૂ થયેલી એક સાહસિક યાત્રા આજે દેશની ઉંચી પર્વતમાળાઓ સુધી પહોંચી છે. વાંસદાના તોરણીયા ડુંગર પરથી પર્વતારોહણના પાઠ શીખીને હિમાલયની કઠિન શિખરો સર કરવા તરફ ડગ માંડનારા NCC કેડેટ અર્પણકુમાર વિનોદભાઈ ચાવધરીએ સમગ્ર વાંસદા તાલુકા અને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
અર્પણકુમાર ચૌધરી હાલ રાજપીપળા (નર્મદા) ખાતે આવેલી શ્રી સી.પી. ડિગ્રી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને 3 ગુજરાત ઈન્ડેપેન્ડન્ટ કંપની NCC ના કેડેટ છે. તેમણે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના દીરાંગ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘National Institute of Mountaineering and Adventure Sports (NIMAS)’ માં યોજાનારા સ્પેશિયલ એડવેન્ચર કોર્સ અને 28 દિવસીય બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ (BMC) માટે કેમ્પ કમાન્ડન્ટને રિપોર્ટ કર્યો છે.
તારીખ 05 નવેમ્બરથી 05 ડિસેમ્બર સુધી ચાલનારા આ વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં અર્પણ ચૌધરી વોલ ક્લાઇમ્બિંગ, રોપ ઓબ્સ્ટેકલ ટ્રેનિંગ, રિવર ક્રોસિંગ અને હાઈ-એલ્ટીટ્યુડ ટ્રેકિંગ જેવી અત્યંત કઠિન તાલીમ મેળવશે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી આર્ટિફિશિયલ વોલ પર રેપ્લિંગ અને ક્લાઇમ્બિંગ કૌશલ્ય પ્રાપ્ત કરી તેઓ હિમાલયના 28 રાજ્યોમાંથી આવતા સાહસિકો સાથે ટ્રેનિંગ પૂર્ણ કરશે. આ તાલીમ બાદ તેઓ પુનઃ હિમાલયના શિખરો પર જવાની ઈચ્છા ધરાવે છે.
અર્પણ વિનોદભાઈ ચૌધરીની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ યુવા અને સેવા સાંસ્કૃતિક વિભાગ (ગાંધીનગર), ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, શ્રી સી.પી. ડિગ્રી કોલેજ, તેમજ યશ એડવેન્ચર પર્વતારોહણ વાંસદા ની સમગ્ર ટીમે તેમને આ કઠિન અને સાહસિક કાર્યમાં અભૂતપૂર્વ સફળતા મેળવવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.











