નવસારી: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જ રોજિંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં ઝીંકાયેલા કમરતોડ વધારાથી સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ઘી, દાળ, ચોખા, રાંધણગેસ તેમજ પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેના કારણે આ વખતે દિવાળીની ઉજવણી ફિક્કી બની રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
દિવાળી તહેવારોની રસોઈ અને મીઠાઈઓમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા દૂધ અને તેની બનાવટોના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. અમૂલ બટરના ભાવ વધવાની સાથે જ 1 કિલો ઘીના કાર્ટનના ભાવમાં 50નો સીધો વધારો થતાં 630 થી વધીને સીધો 680 થયો છે. જ્યારે 500 ગ્રામ શુદ્ધ ઘીનું પાઉચ 325૩ થી વધીને 345 થયું છે. આ ઉપરાંત, બટરમાં 100 ગ્રામ પર 3 અને 500 ગ્રામ પર 15નો વધારો ઝીંકાયો છે.
એક તરફ ભાવ વધારાના કારણે બજારમાંથી અસલી ઘી ગાયબ થઈ ગયું છે, તો બીજી તરફ આ તકનો લાભ ઉઠાવી કાળાબજારીયા, સંગ્રહખોરો અને ભેળસેળિયા તત્વો બેકાબૂ બનીને કાળો કારોબાર ચલાવી રહ્યા છે. બજારમાં વિવિધ કઠોળ ખાસ કરીને તુવેર દાળ તેમજ CNG અને PNG ના ભાવ વધી જતાં જનતા લાચાર બની છે. મોંઘવારીના આ રાક્ષસ સામે પ્રજા પીસાઈ રહી છે છતાં સરકારે આ મામલે મૌન ધારણ કરી લીધું હોવાનો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે.











