ચીખલી: ચીખલી તાલુકામાં ખેરના લાકડાની ગેરકાયદે હેરાફેરી સામે વન વિભાગે મોટી કાર્યવાહી કરીને બે વાહનોમાંથી લાખો રૂપિયાની કિંમતનો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. વન વિભાગના આ સપાટાથી ગેરકાયદે લાકડાના કાળા કારોબાર સાથે સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો અનુસાર, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રીની સૂચના અને વલસાડ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF)ના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન GJ-15 AT-0322 નંબરનો ટ્રક તથા HR 74 C-6100 નંબરનો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા. બંને વાહનોની તલાશી લેતાં તેમાંથી મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને વન વિભાગની ટીમે વાહનો સહિત કબજે લીધો છે. ઝડપાયેલા લાકડાની પ્રાથમિક અંદાજિત કિંમત લાખો રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ગેરકાયદે હેરાફેરીના મામલે ઉમેશભાઈ અર્જુનભાઈ પટેલ (ઉંમર આશરે ૨૮ વર્ષ, રહે. ગોડથલ, પટેલ ફળિયું, તા. ચીખલી, જી. નવસારી) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વન વિભાગની આ કડક કાર્યવાહી બાદ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કયા મોટા ખેલાડીઓ સંડોવાયેલા છે? ખેરના આ લાકડા કયા જંગલ કે વિસ્તારમાંથી કાપવામાં આવ્યા હતા અને ક્યાં પહોંચાડવાના હતા ? તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી બની છે.

આ ઉપરાંત, સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા આ ગેરકાયદે વેપાર પાછળ વન વિભાગના સ્થાનિક કર્મચારીઓની પણ રહેમનજર કે બેદરકારી હતી કે કેમ, તે અંગે તલસ્પર્શી તપાસ કરી વલસાડ ઉત્તરના ડી.સી.એફ. સાહેબ જવાબદાર કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરશે કે કેમ તે બાબત હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here