દાહોદ: ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારની દીકરી કલ્પના ચોર્યાએ પોતાની અદભુત સિદ્ધિથી સમગ્ર દેશમાં ગુજરાત અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. દૃષ્ટિહીન હોવા છતાં પોતાની મક્કમ ઈચ્છાશક્તિ અને સખત મહેનતના બળે કલ્પનાની ‘ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમ’માં પસંદગી કરવામાં આવી છે.
ક્રિકેટ એસોસિએશન ફોર બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (CABI) દ્વારા નેપાળ સામે રમાનારી આગામી ત્રિકોણીય શ્રેણી માટે તાજેતરમાં 17 સભ્યોની રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સ્થાન મેળવનાર કલ્પના ચોર્યા ગુજરાતમાંથી પસંદગી પામેલી એકમાત્ર ખેલાડી છે. કલ્પનાનો સમાવેશ ટીમની ‘B1 કેટેગરી’માં કરવામાં આવ્યો છે, જેમાં સંપૂર્ણ દૃષ્ટિહીન ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાત માટે આ એક અત્યંત ગૌરવની ક્ષણ છે. કલ્પનાની આ સિદ્ધિ સાબિત કરે છે કે, “મહેનત અને દૃઢ સંકલ્પ હોય તો દુનિયાનું કોઈપણ સપનું અશક્ય નથી.” શારીરિક મર્યાદાઓ અને સામાન્ય સુવિધાઓના અભાવ વચ્ચે પણ સંઘર્ષથી સફળતા સુધીની તેની આ સફર અનેક યુવાનો અને દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બની છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર આદિવાસી સમાજ ગર્વ અનુભવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ કલ્પના ચોર્યાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ભારતની આ ગૌરવ સમાન દીકરીને આગામી ક્રિકેટ શ્રેણી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ!











