તાપી: તાપી જિલ્લાના બેડચીત સર્કલ ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ‘ઈન્ડિયન રોબિનહૂડ’ તરીકે ઓળખાતા મહાન ક્રાંતિકારી તંત્યા મામા ભીલની પૂર્ણ કદની પ્રતિમાની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત આદિવાસી આગેવાનોએ સમાજના પડતર પ્રશ્નો અને ખાસ કરીને બોગસ જાતિ પ્રમાણપત્રોના મુદ્દે સરકાર સામે આકરો આક્રોશ ઠાલવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી નેતા ડો. નિરવ ભુલાભાઈ પટેલે સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “સરકાર ખોટા જાતિ પ્રમાણપત્રો ધરાવનાર ૧ લાખ ફ્રોડ લોકોના બચાવમાં ૧ કરોડ સાચા આદિવાસીઓના હક અને અધિકારોનું નુકસાન કરશે, તો આગામી ચૂંટણીમાં સરકારે તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.”

આ પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજ (ગુજરાત રાજ્ય)ના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, કુંજન ઢોડિયા, રાકેશ ચૌધરી, ભાવેશ પટેલ, સાક્ષી પટેલ, હિતેશ પટેલ, અમિત ચૌધરી, યજ્ઞેશ ગામીત, સમીર ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, હિરલ ગામીત, ઈન્દુબેન ગામીત, મનીષ હળપતિ, જિમ્મી ગામિત, હેન્સી ગામિત, રાજુભાઈ અંધાત્રી, મુકેશભાઈ, તિલકભાઈ, સવિતાબેન, સંદીપ અને રજનીશ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સભાઓને સંબોધતા ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ આદિવાસી યુવાનોને કોઈ પણ રાજકીય પક્ષના વાડામાં વહેંચાયા વગર એકજૂથ થવા હાકલ કરી હતી. તેમણે યુવાનોને વ્યસનમુક્ત રહી જળ, જંગલ અને જમીનની સુરક્ષા, વિસ્થાપન, બોગસ જાતિ પ્રમાણપત્રો તેમજ ૪૦% કટ ઓફ માર્ક્સ જેવા સમાજના મહત્વના પ્રશ્નો સામે અવાજ ઉઠાવવા પ્રેરણા આપી હતી. અન્ય આગેવાનોએ પણ જનનાયક તંત્યા મામા ભીલના બલિદાનને યાદ કરી, ઝૂક્યા વગર સિસ્ટમના ખોટા નિર્ણયો અને અન્યાય સામે લડત આપવા યુવાનોને આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બેડચીત ગામના સ્થાનિક અગ્રણીઓ નિલેશભાઈ, વિમલભાઈ, સુનિલભાઈ, અંકુરભાઈ, કલ્પેશભાઈ, જતીનભાઈ તેમજ સમગ્ર ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here