તાપી: તાપી જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે નવનિયુક્ત મહેસુલી તલાટીઓને ઇન્ક્યુબેશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે વહીવટી તંત્રની પારદર્શિતા અને નાગરિકો પ્રત્યેની જવાબદારી વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ વહીવટી તંત્રનો મુખ્ય પાયો શિસ્ત છે. તાપી જિલ્લો મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, તેથી અહીંના નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મળે અને સરકારી સેવાઓ તેમના સુધી વિલંબ વગર પહોંચે તે સુનિશ્ચિત કરવું આપણી ફરજ છે.

કલેક્ટરે વધુમાં ભાર મૂકતા જણાવ્યું હતું કે, આદિવાસી નાગરિકોની કોઈપણ મુશ્કેલી કે મૂંઝવણનો ત્વરિત ઉકેલ લાવવો એ આપણી નૈતિક અને વહીવટી જવાબદારી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘ટીમ તાપી’ તરીકે સંકલન સાધીને સાથે મળીને પ્રજાહિતના કાર્યોને હંમેશાં પ્રાથમિકતા આપવી જોઈએ.

નવનિયુક્ત તલાટીઓને તાલીમ દરમિયાન મેળવેલા જ્ઞાન અને કૌશલ્યનો મહત્તમ ઉપયોગ જનહિતના કાર્યોમાં કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી, તેમજ મહેસુલી તંત્રમાં તલાટીની ભૂમિકા અને મહત્વ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી સંદિપ ગાયકવાડ, વ્યારા મામલતદાર મનીષ ભોય સહિતના વહીવટી તંત્રના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here