ઉકાઈ: દેશની સરહદોની રક્ષા કરતા કરતા તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના વીર જવાન ઋષિકેશકુમાર અશોકભાઈ ચૌધરી જમ્મુ-કાશ્મીર સરહદ પર માતૃભૂમિની સેવા દરમિયાન શહીદ થયા છે. ભારતીય ભૂમિસેનાની ૫૭ રાઈફલ રેજિમેન્ટમાં ફરજ બજાવતા આ વીર સપૂતના શહાદતના સમાચાર મળતા જ સમગ્ર તાપી જિલ્લા સહિત તેમના વતન ઉખલદા ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર સ્વ. ઋષિકેશકુમાર ચૌધરીની અપ્રતિમ શૌર્યતા અને દેશભક્તિ પર આજે સમગ્ર ગુજરાત ગર્વ અનુભવી રહ્યું છે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર આ અમર જવાનની શહાદતને સમગ્ર પંથક અને દેશવાસીઓ શત શત નમન કરી રહ્યા છે.
વીર શહીદના આકસ્મિક વિયોગથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ દ્વારા શહીદ જવાનને અમર જવાન તરીકે યાદ કરી ભાવપૂર્ણ વીરાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ઈશ્વર દિવંગત વીર જવાનના આત્માને પરમ શાંતિ આપે અને આ કપરા સમયે તેમના પરિવારજનોને આ અસહ્ય તેમજ અપૂરણીય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી સમગ્ર પંથક પ્રાર્થના કરી રહ્યો છે.
માતૃભૂમિના આ વીર પુત્રની શહાદત કાયમ માટે અમર રહેશે. અમર જવાન સ્વ. ઋષિકેશકુમાર અશોકભાઈ ચૌધરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ… અંતિમ જોહાર !











