વાંસદા: વાંસદા ખાતે શ્રી સાંઈ ગણેશ મિત્ર મંડળ તથા ‘આમચા સાઈ સરકાર ગ્રુપ’ દ્વારા વરસાદી માહોલ વચ્ચે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને DJ ના તાલ પર શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ આ મનોહર આગમન યાત્રાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પંથક “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. બાપ્પાના આ સ્વાગત પ્રસંગે વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા તેમજ ‘આમચા સાઈ સરકાર ગ્રુપ’ના કમલભાઈ સોલંકી સહિત મંડળના અન્ય સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાપ્પાનું ભાવભેર પૂજન-અર્ચન કરી સ્વાગત કર્યું હતું.

આ ગણેશોત્સવના પાવન પર્વ દરમિયાન મંડળ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાપ્પાની મનમોહક પ્રતિમાના પધરામણાંથી સમગ્ર વાંસદા નગર ભક્તિરસમાં સરોબોર થઈ ગયું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here