ધરમપુર: આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર 2026 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ નિમિત્તે ધરમપુર તાલુકાના નડગધરી ગામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો અને આગેવાનો દ્વારા મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા/છબીને હાર-તોરા અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નડગધરી ગામના સરપંચશ્રી દિનેશભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના બંધારણીય હકોની માંગણી સાથે વિસ્તારના મૂળભૂત પ્રશ્નો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ‘પાર-તાપી નર્મદા રિવર લિંક’ જેવા વિસ્થાપક પ્રોજેક્ટો કે અન્ય કોઈ પણ વિનાશક યોજનાઓ આ વિસ્તારમાં ન લાવવા અંગે મક્કમ સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ એકસૂરે “જળ, જંગલ અને જમીન”નું રક્ષણ કરવા માટેનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.
આ અધિકાર દિવસની ઉજવણીમાં તાલુકા પંચાયતના સ્થાનિક સભ્યશ્રી નિર્મળાબેન, ડેપ્યુટી સરપંચશ્રી શિવલેભાઈ, સામાજિક આગેવાનો સર્વશ્રી ભરતભાઈ, કમલેશભાઈ, કાકડભાઈ, રામજીભાઈ, પરેશભાઈ તેમજ પૂજનીય ભગતશ્રી માઉજેભાઈ અને મંગળભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સમગ્ર વિસ્તાર “જય જોહાર”ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.











