ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામ ખાતે આદિવાસી સમાજના ઉત્થાન અને સામાજિક ઉત્તરાદાયિત્વના ભાગરૂપે એક સુંદર અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી યુવા લીડર રાહુલ પટેલ દ્વારા વિસ્તારની ૩૦૦થી વધુ વિધવા બહેનોને સાડીઓનું વિતરણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ પ્રત્યે સંવેદનશીલતા દાખવતા, રાહુલ પટેલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આંબા તલાટ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી બહેનો ઉપસ્થિત રહી હતી. વિધવા બહેનોને આદરપૂર્વક સાડીઓ અર્પણ કરીને તેમના મુખ પર સ્મિત લાવવાનો અને સમાજમાં તેમને સન્માનજનક સ્થાન આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુવા લીડર રાહુલ પટેલે જણાવ્યુ હતું કે, “વિધવા બહેનો સમાજનો જ એક મહત્વનો ભાગ છે અને તેમની સંભાળ લેવી તેમજ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહેવું એ આપણી નૈતિક ફરજ છે. આદિવાસી સમાજના દરેક વર્ગનો સર્વાંગી વિકાસ થાય અને બહેનો પોતાના પરિવારનું પાલનપોષણ આત્મસન્માન સાથે કરી શકે તે માટે આવા સામાજિક કાર્યો સતત ચાલુ રહેશે.”

આ કાર્યક્રમથી ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સ્થાનિક લોકો અને અગ્રણીઓએ રાહુલ પટેલની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી તથા આદિવાસી વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here