ધરમપુર: આદિવાસી બહુલ ધરાવતા ધરમપુર તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી અગ્રેસર સરકારી પ્રાથમિક શાળા વિદ્યામંદિર શેરીમાલએ શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન આયોજિત વિવિધ પ્રતિષ્ઠિત સ્કોલરશીપ અને પ્રવેશ પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલી ઝળહળતી સફળતા બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા શાળા પરિવારને સત્તાવાર અભિનંદનપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી વિવિધ મહત્ત્વકાંક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ), CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ), NMMS (નેશનલ મીન્સ-કમ-મેરીટ સ્કોલરશીપ) અને PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા) માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી મેરીટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના બાળકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્તીર્ણ થઈ પોતાની શૈક્ષણિક પ્રતિભાનો ડંકો વગાડ્યો છે.
રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી પી. કે. ત્રિવેદી તેમજ સચિવશ્રી સમીર એમ. પટેલ દ્વારા પાઠવવામાં આવેલા પ્રશસ્તિપત્રમાં શાળાની ગુણવત્તાસભર અધ્યાપન પદ્ધતિ, શિક્ષકોનું સમર્પણ અને ઉત્કૃષ્ટ કર્મયોગની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. શાળા દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અભિગમો જેવા કે ક્ષમતા આધારિત શિક્ષણ, તાર્કિક વિચારસરણી, સહયોગી અને અનુભવજન્ય શિક્ષણને વર્ગખંડમાં વાસ્તવિક રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. બોર્ડે નોંધ્યું હતું કે પ્રાપ્ત થનારી સ્કોલરશીપથી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ સરળ બનશે.
રાજ્ય કક્ષાએથી મળેલા આ ગૌરવપૂર્ણ પ્રશસ્તિપત્ર બદલ શાળાના મુખ્ય શિક્ષકશ્રી, શિક્ષકગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), ગ્રામ પંચાયત અને સમગ્ર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કેળવણીકારો દ્વારા ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસી રહ્યો છે.











