ગાંધીનગર: ખોટા પ્રમાણપત્રોના આધારે મળતી નોકરીઓ પર રોક લગાવો”: વિધાનસભામાં બોગસ આદિજાતિ પ્રમાણપત્રો મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ આક્રમક વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન તપાસની માંગ અને મંત્રીના જવાબ સામે ઉઠ્યા સવાલો હતા.

ગુજરાત વિધાનસભાના ૧૫માં સદનના નવમા ચોમાસું સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વાંસદા-ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા આદિજાતિના ખોટા પ્રમાણપત્રોનો મુદ્દો ભારે ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે ખોટા પ્રમાણપત્રોના આધારે મેળવવામાં આવતી નોકરીઓ પર ત્વરિત રોક લગાવવાની માંગ સાથે સમગ્ર બાબતે સઘન તપાસની માંગ કરી હતી. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારી આંકડા રજૂ કરતા જણાવવામાં આવ્યું હતું કે, જસ્ટિસ કારીયા કમિટીના અહેવાલનો સ્વીકાર કર્યા બાદ છેલ્લા 2 વર્ષમાં આદિજાતિના કુલ 75 ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. જેમાં:

  • વર્ષ 2023-24(01/08/2024 થી 31/07/2025): 23 પ્રમાણપત્રો રદ કરાયા.

  • વર્ષ 2025-26 (01/08/2025 થી 31/07/2026): 52 પ્રમાણપત્રો રદ કરાયા.

મંત્રી સમક્ષ પેટા પ્રશ્નોનો મારો, સમયમર્યાદા અંગે માગ્યો જવાબ: મુખ્ય પ્રશ્નની સાથે ધારાસભ્ય અનંત પટેલે પેટા પ્રશ્ન પૂછતા આદિજાતિ મંત્રી પાસે ખરાઈ પ્રક્રિયાની વિગતો માંગી હતી. મંત્રીશ્રી દ્વારા જણાવાયું હતું કે હાલ વિશ્લેષણ સમિતિ દ્વારા 34% જેટલી જ ખરાઈ પૂર્ણ થઈ છે. જેના જવાબમાં ધારાસભ્યશ્રીએ બાકી રહેલી ખરાઈની કામગીરી કેટલા સમયમાં પૂરી કરવામાં આવશે તે અંગે તીખા સવાલો કર્યા હતા. આ ઉપરાંત, જસ્ટિસ કારીયા સમિતિએ 5 જિલ્લામાં 21913 જેટલા વ્યક્તિઓને સાચા ઠેરવ્યા હતા, તે જ રીતે હાલમાં કુલ કેટલા લોકોને સાચા ઠેરવવામાં આવ્યા છે તેવો સવાલ પૂછતાં આદિજાતિ મંત્રી સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા.

નેસ વિસ્તારના નામે ખોટા પ્રમાણપત્રો મેળવવાનો આરોપ: આ સમગ્ર પ્રશ્ન પાછળનો મુખ્ય હેતુ ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારના ચારણ, રબારી અને ભરવાડ સમુદાયના નેસના નામે મેળવવામાં આવતા બોગસ પ્રમાણપત્રોના ખેલને ઉજાગર કરવાનો હતો. ખોટા આધાર-પુરાવા ઊભા કરીને સરકારી નોકરીઓ મેળવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અને આદિવાસી સમાજના અન્યાયને અટકાવવાની માંગ સાથે આ મુદ્દો સત્રમાં ચર્ચાની એરણે રહ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here