વાંસદા: વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી આંકડા જુગારનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને અનેક પરિવારો આ દૂષણના કારણે આર્થિક અને સામાજિક રીતે બરબાદ થઈ રહ્યા છે, ત્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવામાં વાંસદા પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.

સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ, આંકડા જુગારનું દૂષણ બેફામ બનવા પાછળ વાંસદા પોલીસ સ્ટેશનના જ કેટલાક કર્મચારીઓ અને જમાદારોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. આંકડા જુગાર ચલાવતા અસામાજિક તત્વો અને માલિકો પાસેથી નિશ્ચિત હપ્તા ઉઘરાવીને તેમને ખુલ્લેઆમ છાવરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. એક તરફ સામાન્ય નાગરિકો પોતાની મહેનતની કમાણી આ લતમાં ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ આંકડા રમાડનારા માફિયાઓ અને હપ્તાખોરી કરતા અમુક પોલીસ કર્મચારીઓ પોતાની સંપત્તિ તગડી કરી રહ્યા છે.

લોકોની બરબાદીના ભોગે પોતાના ખિસ્સા ભરતા આવા તત્વો સામે હવે લાલ આંખ કરવી જરૂરી બની ગઈ છે. આંકડા જુગારના આ ગેરકાયદેસર નેટવર્કને પ્રોત્સાહન આપતા અસામાજિક આકાઓ અને વહીવટદારોના કાળા કારનામાઓને સમાજ સમક્ષ લાવવા માટે Decision News ટૂંક સમયમાં એક ખાસ પર્દાફાશની શ્રેણી રજૂ કરશે.

મુખ્ય મુદ્દાઓ  હપ્તાખોરી બંધ થાય: વાંસદા પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ કે જમાદારો હપ્તા લઈને આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમની સામે કડક ખાતાકીય તપાસ થાય. ઉચ્ચ સ્તરીય તપાસ: તાલુકામાં ચાલતા આંકડા જુગારના અડ્ડાઓ પર જિલ્લા પોલીસ વડા (SP) અથવા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સીધી રેડ કરવામાં આવે. મિલકતોની તપાસ: ગેરકાયદેસર કમાણીથી સંપત્તિ ઊભી કરનારા જુગારના આકાઓ અને સંકળાયેલા કર્મચારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવે. આંકડા જુગારના આ દૂષણથી વાંસદાના અનેક પરિવારો માર્ગ પર આવી ગયા છે, ત્યારે વહીવટી તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈને તુરંત અસરકારક પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here