સોનગઢ:  સોનગઢ તાલુકાના સિંગપુર વિભાગની પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી આજે સમગ્ર પંથકમાં પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતીના પ્રચાર-પ્રસારનું કેન્દ્રબિંદુ બની છે. મંડળી સાથે જોડાયેલી મહિલાઓ પોતે પ્રાકૃતિક ખેતી કરવા ઉપરાંત અન્ય ખેડૂતોને પણ જમીનની ઉર્વરતા અને સ્વાસ્થ્ય જાળવતી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરી રહી છે.

મંડળીની બહેનો ખેડૂતોના ખેતર સુધી પહોંચીને પ્રાકૃતિક ખાતરો અને કીટનાશકો બનાવવાની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) તાલીમ આપી રહી છે. જેમાં: જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત તૈયાર કરવાની સરળ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવવામાં આવે છે. પ્રાયોગિક તાલીમ મેળવ્યા બાદ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આત્મવિશ્વાસ દ્રઢ બન્યો છે.

સહકારી મંડળીના પ્રમુખ ભદ્રાબેન ગામીતે જણાવ્યું હતું કે ‘ પ્રાકૃતિક ખેતી હવે માત્ર એક વિકલ્પ નથી પરતું પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે સમયની સૌથી મોટી જરૂરિયાત છે.” હાલમાં આ મંડળીમાં 250 થી વધુ મહિલા ખેડૂતો સક્રિય રીતે જોડાયેલી છે, જેઓ ગામેગામ ફરીને પ્રાકૃતિક ખેતીનો સંદેશો પહોંચાડી રહી છે. સિંગપુરની આ મંડળીએ તાલીમ આપવાની સાથે સાથે એક વ્યાપક અને ટકાઉ કૃષિ મોડેલ તૈયાર કર્યું છે, વિલુપ્ત થઈ રહેલા જૂના દેશી બિયારણોનું સંવર્ધન કરવું, પ્રાકૃતિક રીતે પકવેલા અનાજ અને શાકભાજીના સ્થાનિક સ્તરે ખરીદ-વેચાણ માટે સુદ્રઢ માળખું ઊભું કરવું. આ વ્યવસ્થાના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહ્યા છે. સિંગપુરની બહેનોનો આ પ્રયાસ આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવા તરફ એક મજબૂત અને પ્રેરણાદાયી પગલું સાબિત થઈ રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here