નવસારી: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જમીન સાથે ઢળી પડેલા આંબા, ચીકુ સહિતના બાગાયતી વૃક્ષોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ફરી ઉભા કરી શકાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને બાગાયત વિભાગની નિષ્ણાત ટીમો સીધી ખેડૂતોના ખેતરોમાં પહોંચી માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપી રહી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યોગ્ય સમયે વૃક્ષોને સીધા કરી ટેકો આપવો, મૂળ પાસેની જમીન મજબૂત કરવી, નુકસાનગ્રસ્ત ડાળીઓની કાપણી કરવી અને જરૂરી પોષક તત્ત્વો આપવાથી મોટા ભાગના વૃક્ષો ફરી જીવંત બની શકે છે અને ઉત્પાદન પણ શરૂ થઈ શકે છે. નવસારી જિલ્લાના ઘેજ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે જણાવ્યું કે, “તાઉતે વાવાઝોડા દરમિયાન મારી વાડીના ૭૦થી ૮૦ ટકા આંબાના વૃક્ષો પડી ગયા હતા. પરંતુ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ માવજત કરતાં મોટા ભાગના વૃક્ષો ફરી લીલાછમ બન્યા અને ઉત્પાદન પણ શરૂ થયું.”

રાજ્ય સરકાર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને બાગાયત વિભાગ ખેડૂતોની વર્ષોની મહેનત બચાવવા માટે કટિબદ્ધ છે. અસરગ્રસ્ત ખેડૂતોને ખેતર પર જ વૈજ્ઞાનિક માર્ગદર્શન આપીને બાગાયતી પાકોને ફરી જીવંત બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here