વલસાડ: વલસાડ પંથકમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરાયેલી સહાય રાશિના વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના તીથલ અને કોસંબા ગામેથી અસરગ્રસ્ત પરિવારોને આ આર્થિક સહાયના ચેક આપવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરાઈ છે.
અતિવૃષ્ટિના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કુલ 79 પરિવારોને ₹5,37,200 ની સહાય રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં: તીથલ ગામના: 20 પરિવારો, કોસંબા ગામના: 59 પરિવારો આ સહાય મળવાથી નુકસાન પામેલા પરિવારોને મોટી રાહત સાંપડશે. સહાય વિતરણના આ કાર્યક્રમમાં લોકસભા દંડક તથા વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હસ્તે લાભાર્થીઓને ચેક એનાયત કર્યા હતા.
આપત્તિગ્રસ્ત દરેક પરિવારને સમયસર અને પારદર્શી રીતે સહાય મળી રહે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં તબક્કાવાર સહાય વિતરણની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત પરિવારોનું જીવન પુનઃ ઝડપથી થાળે પડી શકે અને તેઓ સામાન્ય સ્થિતિમાં આવી શકે.











