AI ફોટોગ્રાફ્સ

વલસાડ: 25 જુલાઈ 2026 ના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઐતિહાસિક ડુમલાવ ગામના સપૂત, આદિવાસી સમાજના મસીહા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતભરમાં ભાવપૂર્વક નમન કરી સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી છે.

વર્ષ 1953 ના ઐતિહાસિક પારડી ખેડ સત્યાગ્રહ અને ઘાસિયા આંદોલનમાં ઉત્તમભાઈ પટેલે અગ્રેસર રહીને વિપ્લવી ભૂમિકા ભજવી હતી. “ખેડે તેની ભોંય થાશે રે” ના આહ્વાન સાથે તેમણે શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો અને હજારો આદિવાસીઓ તથા ગણોતિયાઓને જમીન પર હક્ક અપાવી સાચા અર્થમાં ‘કિસાન ખેડૂત ખાતેદાર’ બનાવ્યા હતા. તેમના આ સંઘર્ષના પરિણામે જ આદિવાસી સમાજને પોતાના જમીન-જંગલ અને જળ પર અધિકાર મળ્યો. સંવિધાન અને લોકશાહીના મૂલ્યોને વરેલા આ મહાન ક્રાંતિકારીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન આદિવાસી સમાજના ઉત્થાન અને ખેડૂતોના હક્કો માટે લડત આપી હતી.

આજે તેમની જન્મજયંતિના પવિત્ર અવસરે વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં ‘જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત’ ના નારા સાથે આદિવાસી ક્રાંતિના આ મહાન નાયકને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના યોજાયેલા સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here