વલસાડ: વલસાડમાં આગામી 23 જુલાઈ 2026 થી સબસીડીવાળા રાસાયણિક ખાતરનું વેચાણ ‘ફેમવર્ક ફોર ફર્ટીલાઈઝર સેલ’ (FFS) એપ્લિકેશન અને ટોકન સિસ્ટમ દ્વારા કરવાના નિર્ણય સામે ખેડૂતોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેરગામના યુથ લીડર અને સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરને આ અંગે વિગતવાર રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોના ઘણા નાના અને સામાન્ય ખેડૂતો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નથી અથવા તેઓ ડિજિટલ એપ્લિકેશન વાપરવામાં સક્ષમ નથી.
ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ નેટવર્ક અનિયમિત હોય છે અને સરકારી એપ્લિકેશનોમાં વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા ઊભી થાય છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત છે. આવા સમયે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ટોકન મેળવવાની પ્રક્રિયા ખેડૂતોનો કિંમતી સમય બગાડશે અને ખાતર મેળવવામાં વિલંબ થતાં પાકને નુકસાન થવાની શક્યતા છે.
ડો. નિરવ ભુલાભાઈ પટેલે કલેક્ટરને વિનંતી કરી છે કે હાલમાં જે સરળ પદ્ધતિથી ખેડૂતોને ખાતર મળી રહ્યું છે (અંગૂઠાના નિશાન સાથે અથવા જૂની વ્યવસ્થા મુજબ) તે જ ચાલુ રાખવામાં આવે. નવી FFS એપ્લિકેશન સિસ્ટમને હાલ પૂરતી મોકૂફ રાખવી અથવા તેને મરજીયાત (Optional) બનાવવી જોઈએ, જેથી કરીને નાના ખેડૂતોને કોઈ મુશ્કેલી વિના સમયસર ખાતર મળી શકે. ખેડૂતોના પ્રતિનિધિ તરીકે ડો. નિરવે આ મુદ્દે તમામ સંબંધિત અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા અપીલ કરી છે. આ મુદ્દે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના તરફ ખેડૂતોની નજર છે.











