ગણદેવી: ગણદેવી તાલુકાના ગણદેવા ગામના વતની અને દેશની રક્ષા કાજે બીએસએફ (BSF)માં સેવા આપતા આપતા રાજસ્થાન બોર્ડર પર શહીદ થયેલા વીર જવાન હેમંત જયંતિભાઈ પટેલની અવિસ્મરણીય શહાદતને યાદ કરતા સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સામાન્ય લોકો મૃત્યુ પામે છે જ્યારે સૈનિકો દેશ માટે શહીદ થાય છે.”

સામાન્ય પરિવારમાંથી દેશસેવાની ઉચ્ચ ભાવના 19 ડિસેમ્બર 1978ના રોજ જન્મેલા શહીદ હેમંત પટેલ એક અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તેમના પિતાજી આહવા જિલ્લા પંચાયતમાં પટાવાળા તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હેમંતનું બાળપણ અને પ્રાથમિકથી લઈ બી.એ. સુધીનો અભ્યાસ આહવા ખાતે થયો હતો. નાનપણથી જ દેશપ્રેમથી રંગાયેલા હેમંત પટેલની ભરતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં થઈ હતી.

3 વર્ષની ટૂંકી પણ તેજસ્વી સેવા ગ્વાલિયરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે અમદાવાદ, આસામ, નાગાલેન્ડ અને છેલ્લે રાજસ્થાનમાં દેશની સરહદોની સુરક્ષા કરી હતી. માત્ર 3 વર્ષની ટૂંકી પણ તેજસ્વી સેવા દરમિયાન તેમણે માતૃભૂમિની રક્ષા માટે 30મી ઓગસ્ટ 2002ના રોજ રાજસ્થાનના બિકાનેર નજીક આવેલી રાયશીલનગર સરહદે શહીદી વહોરી હતી.

હેમંત પટેલની શહીદીના સમાચાર મળતા જ સમગ્ર ખારેલ અને ગણદેવા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે મિલિટરીના વાહનમાં તેમનો પાર્થિવ દેહ ખારેલ ચોકડી ખાતે લાવવામાં આવ્યો ત્યારે હજારોની જનમેદની ‘જય જવાન જય કિસાન’ અને ‘શહીદ હેમંત પટેલ અમર રહો’ના ગગનભેદી નારા સાથે જોડાયા હતા. રાત્રે ખારેલ-રાંકલ માર્ગ ઉપર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્થાનિકો અને લોકફાળા દ્વારા પટેલ ફળિયાના પાટિયા પાસે એક સુંદર સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે આજે પણ વીર શહીદ હેમંત પટેલની અમર ગાથા અને દેશભક્તિની યાદ દેવડાવે છે.

SAS ગુજરાતના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસીયાએ કહ્યું કે આપણા દેશની રક્ષા કાજે સરહદ પર વીરગતિ પામેલા અમર શહીદ સૈનિક હેમંત પટેલને એમની પુણ્યતિથિ નિમિતે સમસ્ત આદિવાસી સમાજ તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.માતૃભૂમિની કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ વીર જવાનોનું બલિદાન સર્વોચ્ચ છે. તેમની અદમ્ય બહાદુરી અને દેશભક્તિના કારણે જ આજે દેશ સુરક્ષિત છે. શહીદોનો આ ત્યાગ આવનારી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે-


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here