વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક દુર્ગમ ગામ રંગપુરની સરકારી પ્રાથમિક શાળાને ‘ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કૂલ’માં ફેરવીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા આચાર્ય નિતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠકની ‘National Teachers’ Award 2026’ માટે પસંદગી થઈ છે. 5 સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનારા તેઓ સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા એકમાત્ર ગુજરાતી પ્રાથમિક શિક્ષક બન્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ વર્ષ 2015માં પોતાના ઘરથી 72 કિમી દૂર આ શાળામાં બદલી થઈને આવેલા નિતિનકુમારે ગ્રામજનો અને દાનવીરોના સહયોગથી આશરે ₹1.48 કરોડનું દાન એકઠું કર્યું હતું. આજે આ સરકારી શાળામાં ‘મ્યુઝિક તથા ન્યૂઝ સ્ટુડિયો’, 108 વર્કિંગ મોડલ્સવાળું સાયન્સ સેન્ટર, ટેબ્લેટ અને ટચ સ્ક્રીન આધારિત સ્માર્ટ ક્લાસરૂમ જેવી અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં અભ્યાસ કરતી દીકરીઓ હિન્દી ભાષામાં પોતાની શાળાનું ન્યૂઝ બુલેટિન પણ એન્કર કરે છે.
શાળાની મુખ્ય સિદ્ધિઓ: નિતિનભાઈએ સ્વહસ્તે તૈયાર કરેલા 365 દિવસના ગણિત-વિજ્ઞાન કેલેન્ડર અને QR કોડ સિસ્ટમ દ્વારા શિક્ષણ વધુ સરળ બન્યું છે. નવીનતમ પદ્ધતિઓના પરિણામે છેલ્લા 3 વર્ષમાં શાળાના 89 વિદ્યાર્થીઓએ સરકારી મેરિટ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. શાળાના બદલાયેલા ચિત્ર અને ગુણવત્તાસભર શિક્ષણને કારણે હવે વાલીઓ ખાનગી શાળાઓ છોડાવીને બાળકોને આ સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારા અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનારા નિષ્ઠાવાન શિક્ષક નિતિનકુમાર પાઠકની આ સરાહનીય કામગીરીને ચારેય તરફથી બિરદાવવામાં આવી રહી છે.











