ખેરગામ: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી અંગે કડક આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, બુટલેગરોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવી ઘટના સામે આવી છે. વલસાડ એલસીબી (LCB) પોલીસની ટીમે ખેરગામ તાલુકાના રૂઝવણી ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જઈ રહેલા એક આહીર દંપતીને રંગેહાથ ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, રૂઝવણી ગામના ઝાડી ફળિયામાં રહેતા સંજયભાઈ ઠાકોરભાઈ આહીર અને તેમની પત્ની વર્ષાબેન સંજયભાઈ આહીર દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પોતાની બ્રેઝા કાર (નંબર: GJ-15-CG-8311) માં આવી રહ્યા હતા. વલસાડ LCBએ બાતમીના આધારે દંપતીને આંતરીને તપાસ કરતા કારમાંથી ₹64,296ની કિંમતનો ગેરકાયદે વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરની દુર્ઘટના બાદ ગૃહ વિભાગ દ્વારા જે-તે વિસ્તારમાંથી દારૂ પકડાય તો જવાબદાર PI કે અધિકારી સામે સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આટલા કડક આદેશો છતાં ખેરગામ પંથકમાં દમણથી આટલી મોટી માત્રામાં દારૂ ઘૂસી જતાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઊડ્યા છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો આકરા સવાલો ઉઠાવી રહ્યા છે કે, ગૃહવિભાગ અને ઉચ્ચ અધિકારીઓના કડક સૂચનાઓ છતાં બુટલેગરો આટલા બેફામ કેવી રીતે ફરી રહ્યા છે? રૂઝવણીનું દંપતી આટલા મોટા દારૂના જથ્થા સાથે પકડાયા બાદ હવે ખેરગામ સ્થાનિક પોલીસ વિરુદ્ધ સ્થાનિક તંત્ર કે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું.











