ઉત્તરાખંડ: 1973માં ઉત્તરાખંડ (ત્યારે ઉત્તર પ્રદેશનો ભાગ)ના ચમોલી જિલ્લાના રેણી ગામથી શરૂ થયેલું ચીપકો આંદોલન ભારતના સૌથી પ્રેરણાદાયક અહિંસક પર્યાવરણ આંદોલનોમાંનું એક હતું. સરકાર દ્વારા જંગલોના વ્યાપક કપાણ સામે સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓ, એકજૂટ થઈ ઊભા રહ્યા. ગૌરા દેવીના નેતૃત્વ હેઠળ મહિલાઓ ઝાડને ભેટી પડી ગઈ અને તેમણે ઐતિહાસિક શબ્દો ઉચ્ચાર્યા:

“પહેલા અમને કાપો, પછી ઝાડ કાપજો.” સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદ ભટ્ટ જેવા પર્યાવરણપ્રેમી આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ આંદોલને સમગ્ર દેશને એ સમજાવ્યું કે જંગલો માત્ર લાકડું નથી, પરંતુ જીવનનો આધાર છે.

આજે, વર્ષ 2026માં, ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હાઇવે વિસ્તરણ અને અન્ય વિકાસ પ્રોજેક્ટોના નામે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓ ફરીથી રસ્તા પર ઉતર્યા છે. તેઓ માત્ર ઝાડ બચાવવાની લડાઈ નથી લડી રહ્યા, પરંતુ આવનારી પેઢીઓના જીવન, જળ, જંગલ અને જમીનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ જોતા સ્વાભાવિક પ્રશ્ન થાય છે—શું ઉત્તરાખંડમાં ફરી ચીપકો આંદોલન જન્મ લેશે ?

અલ્પેશ પટેલ કહે છે કે મારું વ્યક્તિગત માનવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ એવો વિકાસ નહીં જે કુદરતના વિનાશની કિંમત પર ઊભો કરવામાં આવે. સાચો વિકાસ એ છે, જે પ્રગતિ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવે. જો કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા જરૂરી હોય, તો તેના વિકલ્પો શોધવા જોઈએ, ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો માર્ગ પસંદ કરવો જોઈએ.

વિકાસના નામે વિનાશ ક્યારેય સ્વીકાર્ય ન હોવો જોઈએ. કારણ કે રસ્તા, ઇમારતો અને પ્રોજેક્ટો ફરી બનાવી શકાય છે, પરંતુ સદીઓમાં ઊભા થયેલા જંગલો અને કુદરતી પરિસ્થિતિનું પુનઃનિર્માણ એટલું સરળ નથી. પ્રશ્ન માત્ર ઝાડનો નથી, પ્રશ્ન આપણા ભવિષ્યનો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here