ખેરગામ : આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ખરાબ સ્થિતિ, શિક્ષકોની અછત અને યુવાનોમાં વધતી ગુનાખોરી તેમજ વ્યસન વિરુદ્ધ જનજાગૃતિ માટે ડો. નિરવ ભુલાભાઈ પટેલે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો પર રવિ દરજી નામના વ્યક્તિએ આદિવાસી સમાજ અને ડો. નિરવ પટેલ વિશે અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી આદિવાસી યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
ગત જાન્યુઆરીમાં બનેલા આ બનાવ બાદ ખેરગામના આદિવાસી યુવાનોએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરી અને ASI હિતેશ પટેલે શરૂઆતમાં ફરિયાદ લેવાને બદલે આરોપીને “ગાંડો” કહીને કાર્યવાહી કરવામાં આડોડાઈ કરી હતી. ફરિયાદી કાર્તિક પટેલે પોલીસના વલણ સામે વિરોધ કરતા કહ્યું હતું કે “અશ્લીલ ભાષા વાપરીને પછી ગાંડો છું એમ કહીશ તો પણ કાર્યવાહી નહીં કરો?” આ મામલે ફરિયાદીએ નવસારી જિલ્લા એસપી રાહુલ પટેલને અરજી કરી હતી. ત્યારબાદ લગભગ એક મહિના પછી ખેરગામ પોલીસે FIR નોંધી હતી. આરોપી રવિ દરજીએ માફી માંગી હતી અને તેની વયોવૃદ્ધ માતાએ પણ પોતાના પુત્રને માફ કરી દેવા વિનંતી કરી હતી. આ વિનંતીને ધ્યાનમાં લઈને ડો. નિરવ ભુલાભાઈ પટેલે માનવતાનો પરિચય આપતા ફરિયાદી કાર્તિક પટેલ અને અન્ય સાક્ષીઓને ફરિયાદ પાછી ખેંચવા અપીલ કરી હતી. તે મુજબ ફરિયાદીએ આરોપીને માફ કરી દીધો છે.
આ મામલે આદિવાસી યુવાનોએ કહ્યું કે, “જો ખેરગામ પોલીસે તરત જ યોગ્ય કાર્યવાહી કરીને આરોપી પાસે માફી મંગાવી હોત તો મામલો આટલો લાંબો ન ચાલ્યો હોત.” તેઓએ પોલીસના વલણ વિરુદ્ધ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે અને સામાન્ય લોકોની ફરિયાદોને ગંભીરતાથી લેવા માટે માંગ કરી છે. ડો. નિરવ પટેલે આખા મામલાને માનવતાપૂર્ણ રીતે હલ કરીને સારા સંદેશનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.











