બિલીમોરા: કોવિડ-૧૯ મહામારી દરમિયાન બંધ કરાયેલી ટ્રેનો અને સ્ટોપેજ હજુ સુધી પુનઃસ્થાપિત ન થતાં બિલીમોરા જંક્શન અને આસપાસના વિસ્તારના હજારો આદિવાસી શ્રમિકો, મધ્યમ વર્ગના નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
સમસ્ત આદિવાસી સમાજના અગ્રણી, ખેરગામના છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલએ આ મુદ્દે રેલવે પ્રશાસન અને સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે બિલીમોરા જંક્શન પર કોવિડ પહેલાંની તમામ પ્રવાસી ટ્રેનો અને મહત્વના સ્ટોપેજ તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં રેલવે સેવાઓ પૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે, ત્યારે દક્ષિણ ગુજરાતના મહત્વના રેલવે જંક્શન બિલીમોરા પરથી સુરત-ઉમરગામ વચ્ચે દોડતી અનેક મહત્વની ટ્રેનો અને સ્ટોપેજ હજુ પણ બંધ છે. આના કારણે દૈનિક મુસાફરી કરતા હજારો લોકોને રોજ ૨ કલાક વહેલા ઘર છોડવું પડે છે અને મોંઘા ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે, જેનાથી તેમના બજેટ પર ભારે અસર પડી રહી છે.
ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, “ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રેલવે સેવા માત્ર પરિવહનની સુવિધા નથી, પરંતુ તેમની રોજીરોટી અને આર્થિક સ્થિરતાનો આધાર છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિક જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ગ્રીન એનર્જી અને પ્રદૂષણ ઘટાડવાની વાત કરે છે, ત્યારે જાહેર પરિવહનની સુવિધા ન મળવાથી લોકો ખાનગી વાહનો તરફ વળે છે, જે કાર્બન ઉત્સર્જન અને ઇંધણ વપરાશ વધારે છે.
બિલીમોરા જંક્શન ઐતિહાસિક અને ભૌગોલિક રીતે અત્યંત મહત્વનું છે. સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન મળતાં ડો. પટેલે ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સ્થાનિક સંગઠનો અને મુસાફરો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવું પડશે.
સ્થાનિક લોકો અને શ્રમિક વર્ગ આ મુદ્દે ઝડપી ઉકેલની માંગ કરી રહ્યા છે.











