નવસારી: મૂળ આદિવાસી સમાજના હક્કો છીનવી લેવાના આરોપમાં નવઘણ રેવાભાઈ સરસૈયા વિરુદ્ધ સમસ્ત આદિવાસી સમાજે તીવ્ર વિરોધ કર્યો છે. આદિવાસીઓના આરોપ છે કે તેમણે ખોટા અનુસૂચિત જનજાતિ (ST) પ્રમાણપત્રના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં નોકરી મેળવી છે.
સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ, ખેરગામના યુવા આગેવાન અને છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને અન્ય આદિવાસી આગેવાનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના બાદ કાર્યવાહી
ફરિયાદના આધારે મુખ્યમંત્રી કાર્યાલયે સંબંધિત વિભાગને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલાની તપાસ “The Gujarat Schedule Tribes (Regulation Issuance and Verification Of Cast Certificate) Rules 2020” ના નિયમ-૦૯ અંતર્ગત વિજીલન્સ સેલ (Vigilance Cell)ને સોંપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિન વિભાગે ડો. નિરવ પટેલને આ અંગે ઔપચારિક જાણકારી આપી છે.
ડો. નિરવ પટેલની માંગણીઓ
આ બાબતે ડો. નિરવ ભુલાભાઈ પટેલે AMCને વળતો પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે:
• વિજીલન્સ સેલ તપાસ ૩૦ દિવસની અંદર પૂર્ણ કરી આખરી અહેવાલ વિભાગીય વિશ્લેષણ સમિતિ, ગાંધીનગરને સોંપે.
• તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નવઘણ સરસૈયાની સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને તેમને મળતા નાણાકીય લાભો પર રોક લગાવવામાં આવે.
• જો પ્રમાણપત્ર ખોટું સાબિત થાય તો અત્યાર સુધી ચૂકવેલો સરકારી પગાર સરકારી તિજોરીમાં પરત જમા કરાવવો.
• FIR નોંધીને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
આ મામલાએ આદિવાસી સમાજમાં તીવ્ર ચર્ચા જગાવી છે. આદિવાસી આગેવાનોનું કહેવું છે કે ખોટા જાતિ પ્રમાણપત્રોના આધારે સાચા આદિવાસીઓના અધિકારો છીનવાઈ રહ્યા છે, જેને રોકવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. હાલમાં વિજીલન્સ સેલ આ કેસની તપાસ કરી રહ્યું છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.











