સુરત: ‘લોકો ટેક્સ ભરતા નથી, રેશનિંગનું ખાય છે અને પ્રશ્નો પૂછે છે !’ ડાયરા કલાકાર માયાભાઈ આહીરે પોતાના સુરત ખાતેના ડાયરાનો વીડિયો યૂટ્યૂબ પર 4 જુલાઈ 2026ના રોજ મૂક્યો છે. સ્ટેજ પર લોકગાયિકા મૈથિલી ઠાકુર પણ છે. તેઓ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી અલીનગર (દરભંગા) બેઠક પરથી ચૂંટાયા છે. પોલીસ ઈન્સ્પેકટરના નિવૃતિ પ્રસંગે આ ડાયરાનું આયોજન થયેલ.

લોકડાયરો ગુજરાતી લોકસંસ્કૃતિનો એક પરંપરાગત અને લોકપ્રિય કાર્યક્રમ છે, જેમાં ગીત-સંગીત, કવિતા, વાર્તા, હાસ્ય, સામાજિક-રાજકીય વ્યંગ્ય અને સામાજિક-ધાર્મિક સંદેશો આપવામાં આવે છે. તે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. લોકડાયરો એક સાંસ્કૃતિક મેળાવડો છે જેમાં ગામડાની ભાષા, ભોળપણ અને જીવનની વાસ્તવિકતાને મંચ પર લાવવામાં આવે છે.

2014પછી ડાયરા કલાકારોને સત્તાની વાહવાહી/ પ્રશંસા/ ચાપલૂસીનો રોગ લાગુ પડ્યો છે. હંમેશા સત્તાની સ્તુતિ કરવી અને વિપક્ષ પર પ્રશ્નો ઊઠાવે છે. એટલું નહીં, લોકોનો વાંક કાઢવાનું ચૂકતા નથી. ‘ડાયરા કલાકાર’ હવે ‘ડાયરા દલાલ’ બની ગયા છે. જ્યાં સુધી ‘ડાયરા દલાલ’ પોતે કે તેનો પુત્ર જેલમાં ન જાય ત્યાં સુધી તેમના જીવને શાંતિ થતી નથી!

સુરતમાં, માયાભાઈ આહીરે કહ્યું કે “અને એમાંય હવે તો વાત જ કરવાની નથી. જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજી ટેક્સ ભરતા હોય! તમે અમારા ટેક્સમાંથી પગાર લ્યો છો, એવું કહેનાર એ બધા રેશનિંગના ઘઉં ખાતા હોય! એણે જિંદગીમાં ટેક્સ ભર્યો ન હોય, સાહેબ, કોઈ એમ કહેતો હોય ને, હું કોઈના બાપથી નથી બીતો, એ લગભગ બધાથી જ બીતો હોય છે!”

માયાભાઈ આહિરે સામાન્યીકરણ કર્યું છે કે ‘લોકો ટેક્સ ભરતા નથી’ આ સાચું નથી. ગુજરાત સહિત ભારતમાં મોટા ભાગના લોકો ઇન્ડાયરેક્ટ ટેક્સ (GST, Excise, Road tax, Petrol-Diesel tax વગેરે) ભરે છે. ભારતમાં ગરીબમાં ગરીબ માણસ પણ ટેક્સ ભરે છે. માત્ર આવકવેરો (Income Tax) જ નોકરિયાતો/ ધંધાદારીઓને લાગુ પડે છે. ગરીબ અને મધ્યમ વર્ગના મોટા ભાગના લોકો આવકવેરાની મર્યાદામાં પણ આવતા નથી.

પ્રશ્નો પૂછનારા ‘રેશનિંગના ઘઉં ખાતા હોય!’ એમ કહેવું એ લોકોની ગરીબી અને જરૂરિયાતને તિરસ્કારપૂર્વક જોવાની વાત છે. PDS (રેશન) એ સરકારી કલ્યાણકારી યોજના છે, જે ગરીબી રેખા નીચેના લોકો માટે છે. તેને ‘મફતમાં ખાવું’ તરીકે નિર્દેશિત કરવું અન્યાયી છે. બીજાના શોષણ પર જીવનાર માણસ જ આવું બોલી શકે!

લોકતંત્રમાં પ્રશ્ન પૂછવા એ નાગરિકનો અધિકાર છે. તેને ‘ટેક્સ નથી ભરતા તો પ્રશ્ન ન પૂછો’ એવું કહેવું જરા પણ ઉચિત નથી. ડાયરા કલાકારને બોલવાની સ્વતંત્રતા છે. પરંતુ વર્ગ-વિરોધ કે ગરીબોનું અપમાન ન થવું જોઈએ. સારા કલાકારો વ્યંગ્યમાં પણ સમજદારી રાખે છે, જેથી મંચ પર હાસ્ય અને વિચાર બંને આવે. આવું એકપક્ષી અને તિરસ્કારપૂર્ણ વાક્ય વધુ રાજકીય પ્રચાર/ ચાપલૂસી જેવું લાગે છે.

ગુજરાતમાં 1950-1990 દરમિયાન ડાયરા/ લોકસંગીત કલાકારો સત્તાપક્ષની ચાપલૂસી કરવાને બદલે સ્વતંત્ર, સામાજિક વ્યંગ્ય અને લોકજીવન પર ભાર મૂકતા હતા. તેમાં હેમુ ગઢવી (1929-1965)/ ઝવેરચંદ મેઘાણી/ પ્રાણલાલ વ્યાસ/ દુલા ભાયા કાગ/ કાનજી ભૂટા બારોટ/ દિવાળીબેન ભીલ/ ભીખુદાન ગઢવી/ શાહબુદ્દિન રાઠોડ વગેરે લોકજીવન, ભજન અને વ્યંગ્ય પર ભાર મૂકતા હતા. તેમના ડાયરામાંથી શ્રોતાઓ વિચાર લઈને જતા.

BY: રમેશ સવાણી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here